[:gj]શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ[:]

[:gj]અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વસ્ત્રાપુર બાદ તબક્કાવાર શહેરનાં અન્ય તળાવને ભરવા માટે પણ જળશક્તિ અભિયાન અંતર્ગત ભરવા માટે આદેશ કરાયો છે. ઉપરાંત 31 ડિસેમ્બર સુધી તળાવમાં ગેરકાયદે જોડવામાં આવેલાં ગટર જોડાણ તાત્કાલિક કાપી જવાબદાર સામે કાર્યવાહીની સૂચના આપી છે. આ માટે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ અમપાના ઈજનેર, સોલિડ વેસ્ટ અને હેલ્થ એમ ત્રણ વિભાગને સંયુક્ત રીતે કામગીરી કરવા માટે સૂચના આપી છે.

મ્યુનિ. કમિશનરના આદેશના પગલે એસ્ટેટ વિભાગે શહેરમાં આવેલાં તળાવોની આસપાસના વિસ્તારને વિકસિત કરવા જમીન સંપાદન કરવાથી લઈ જમીન હેતુફેર પણ કરવાનો રહેશે, સાથેસાથે તળાવની આસપાસ બંધાયેલાં ગેરકાયદે બાંધકામ અને દબાણ પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સોલિડ વેસ્ટ વિભાગે સફાઈ ઉપરાંત તળાવ અને આસપાસ પ્લાસ્ટિક વેસ્ટનો કચરો ન ફેલાય તે અંગેની કાર્યવાહી કરવી પડશે, જ્યારે હેલ્થ વિભાગે આસપાસના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવો પડશે.[:]