શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે

ગાંધીનગર, તા. 04

રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગેનો અભ્યાસ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં વાહનોની સંખ્યા રોજેરોજ વધી રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે પાર્કિંગની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ સંજોગોમાં વાહનચાલકો રોડ પર ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરી દે છે. અને તેના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ થાય છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા ઓન રોડ પાર્કિંગ અંગે આજદિન સુધી કોઈ ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી નથી.

શું કહે છે ટ્રાન્સપોર્ટ વિભાગ?

આ અંગે ટ્રાન્સપોર્ટ વિભાગનો સંપર્ક સાધતાં વિભાગના પ્રોસિક્યૂટર સંજય પંડ્યાએ જનસત્તાને કહ્યું કે, રાજ્ય સરકાર વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે ચિંતિત છે. સાથે સાથે વાહનવ્યવહારના નવા નિયમોનો પણ ચૂસ્તપણે અમલ થાય તે માટે કટિબદ્ધ છે. પરંતુ સરકારની મુખ્ય સમસ્યા એ છે કે, રાજ્યમાં થઈ રહેલા વિકાસને કારણે પાર્કિંગના સ્થળોની સમસ્યા ઊભી થઈ છે. જોકે, કેટલીક મહાનગરપાલિકાઓએ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટનો પે એન્ડ પાર્કિંગ તરીકે ઉપયોગ શરૂ કર્યો છે. પરંતુ આ કાયમી ઉકેલ નથી. જેમ જેમ શહેરોનો વિકાસ થશે તેમ તેમ આ પાર્કિંગ પ્લોટ પણ આગામી દિવસોમાં નહિ રહે. તેઓ કહે છે, આ સ્થિતિમાં જે તે મુખ્ય શહેરોની મહાનગરપાલિકા દ્વારા પોતાના શહેરમાં ઓન રોડ પાર્કિંગ માટે અભ્યાસ કરીને પોતાની નીતિ અમલી કરવામાં આવી રહી છે. જે અનુસાર શહેરના માર્ગ પર વાહન પાર્ક કરવું હોય તો તેનો પાર્કિંગ ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે.

સુરતમાં ચાલે છે ઓન સ્ટ્રીટ પાર્કિંગની પદ્ધતિ

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી સુરતમાં ફેબ્રુઆરી 2019થી એક યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના સુરત મહાનગરપાલિકાએ સુવ્યવસ્થિત અભ્યાસ કરીને બનાવી છે. સુરતીઓ ખાવાના શોખીન હોવાના કારણે સુરતમાં ઠેરઠેર મુખ્યમાર્ગો પર સ્વાદના ચટાકા લેનારાઓ રસ્તા ઉપર વાહન પાર્ક કરીને ખાવાનો શોખ પૂરો કરતાં હોય છે. આ સંજોગોમાં સુરતમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી. જેને જોતાં સુરત મનપાએ સમગ્ર શહેરમાં ફૂટપાથ ઉપર ખાણીપીણીના સ્થાનોનો અભ્યાસ કરીને ચોક્કસ વિસ્તારોના માર્ગો પર વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું. અને આ ચાર્જ તેમના ખાવાના બિલની અંદર જ ઉમેરાઈને આવી જાય. આ પાર્કિંગ ચાર્જની જે રકમ ખાણીપીણીવાળા વસૂલે તેણે મનપાને નક્કી કરાયેલી પાર્કિંગની રકમ ચૂકવવાની હોય છે. સુરત મહાનગરપાલિકાએ આવા 100 જેટલા વિસ્તારો નક્કી કર્યા છે. આ રીતે ઓન રોડ પાર્કિંગની વ્યવસ્થાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ નથી થતી અને મનપાની આવકમાં પણ વધારો થાય છે.

અમપામાં ઓન રોડ પાર્કિંગનો અભ્યાસ ચાલુ

અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા શહેરમાં વધી રહેલા વાહનો અને તેને પાર્ક કરવા માટે ઊભી થઈ રહેલી સમસ્યાને નિવારવા માટે સુરતના ઓન સ્ટ્રીટ પાર્કિંગ નીતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અમપાની સ્થાયી સમિતિના ચેરમેન અમૂલ બળવંતરાય ભટ્ટે જનસત્તાને જણાવ્યું કે, શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે અને તેની સામે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે વાહનચાલકોને દંડ ભરવો પડે છે. આ સંજોગોમાં અનેકવાર અમપામાં શહેરીજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેને જોતાં અમપાએ સુરત મનપાની ઓન સ્ટ્રીટ પાર્કિંગની નીતિનો સુવ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો છે. તેઓ કહે છે કે, આ પ્રકારની પાર્કિંગની પદ્ધતિ આગામી દિવસોમાં અમલી કરવા પાછળ એક જ કારણ છે કે, જ્યારે કોઈ શહેરીજન મોટા કોમ્પ્લેક્સમાં જાય છે પણ ત્યાં પાર્કિંગ ન હોવાના કારણે તે બહાર રસ્તે પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો ઊભી થાય જ છે પણ વાહનચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા પણ દંડ કરવામાં આવે છે. આ સંજોગોમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં એવા રોડ અમપા આઈડેન્ટીફાઈ કરશે કે જ્યાં રોડ પર વાહન પાર્ક કરવાથી કોઈ સમસ્યા ન થાય. આ પ્રકારના સ્થળો પર ઓન રોડ પાર્કિંગ ઊભું કરીને વાહનચાલક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે અને નિયત કરાયેલા સ્થળે વાહન પાર્ક કરેલું હોવાના કારણે ટ્રાફિક પોલીસની કોઈ કનડગત નહિ થાય.