સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્ટ વધીને 11,945.15ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમ્યાન 250 પોઇન્ટ ઊછળ્યો હતો. જેથી સેન્સેક્સ ઓલટાઇમ હાઇની સપાટીએ પહોંચ્યો હતો. આ પહેલાં સેન્સેક્સે તેજી સાથે 40,392ની ઊંચી સપાટી બનાવી હતી. વૈશ્વિક મજબૂત સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં તેજીનું માનસ રહ્યું હતું. નિફ્ટી પર મેટલ શેરોમાં જોરદાર તેજી રહી હતી. આ સાથે અમેરિકા-ચીન વચ્ચેના વેપાર સોદા બાબતે સકારાત્મક વલણ રહેતાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

ઇન્ફોસિસ આજે સ્પષ્ટતા કરી હતી કે વ્હિસલબ્લોઅરની ફરિયાદ સંદર્ભે પ્રાથમિક તબક્કે તથ્ય જણાતું નથી. આવી સ્પષ્ટતા બાદ ઇન્ફોસિસના શેરમાં ધૂમ કામકાજ થયાં હતાં. આ ઉપરાંત અગ્રણી કંપની એચડીએફસીનો બીજા ત્રિમાસિક ગાળાનો નફો 61 ટકા વધ્યો હતો. આમ પ્રોત્સાહક પરિણામે શેરોમાં તેજીનું માનસ હતું.

બજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન મેટલ અને આઇટી શેરોમાં તેજી હતી. આ સાથે પીએસયુ, ફાર્મા, બેન્ક શેરોમાં તેજી હતી, પણ ઓટો, મિડિયા અને રિયલ્ટી શેરોમાં વેચવાલાનું દબાણ હતું.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 15 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 27 શેરો હતા અને 23 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1526 શેરો વધ્યા હતા અને 1173 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1392 શેરો વધ્યા હતા અને 873 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 6 શેરો વધીને બંધ રહ્યા હતા.

એફપીઆઇની મૂડીરોકાણ છ મહિનાની ટોચે

ઓક્ટોબર મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઇ)એ ભારતીય ઈક્વિટી માર્કેટના રોકાણની સાથે કુલ રૂ. 16,069 કરોડનું દેશમાં મૂડીરોકાણ છે. એનએસડીએલના ગયા મહિનાના જાહેર થયેલા આંકડામાંથી આ ડેટા બહાર આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના પ્રથમ બજેટ સુપર રિચ (રોકાણકારો) લોકો પર વધારાનો ટેક્સ લાદ્યીને આવક વધારવાનો કીમિયો અજમાવ્યો હતો. જોકે સામે પક્ષે વિદેશી રોકાણકારો નિરાશ થતાં તેમણે જુલાઈ અને ઓગષ્ટ એમ માત્ર બે માસમાં જ 30,000 કરોડથી વધુનું રોકાણ ભારતમાંથી પરત ખેંચ્યું હતુ. જોકે અંતે સરકારે ટેક્સ પરત લેતાં વિદેશી રોકાણકારો ફરી ભારતીય માર્કેટમાં ખરીદદાર બન્યા છે.

સેન્સેક્સમાં તેજી, પણ અન્ય ઇન્ડેક્સ નીચા

સેન્સેક્સ સિવાય જોઈએ તો સ્મોલ-કેપથી લઈને અન્ય ઇન્ડેકસની સ્થિતિ જોઈએ તો એક પણ ઇન્ડેક્સે ટોચ બનાવ્યા નથી. માત્ર બે ઇન્ડેક્સ એફએમસીજી અને એનર્જી આગામી દિવસોમાં ટોચ બનાવે એવી શક્યતા છે. અન્ય હેલ્થકેર, ટેલિકોમ, ઓટો અને મેટલ ઇન્ડેક્સ તો અગાઉની ટોચથી 10 ટકાથી 27 ટકા નીચા ટ્રેડ થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તેઓ પણ હજી ટોચની ઘણા દૂર રહ્યા છે. વર્ષની સર્વોચ્ચ સપાટીથી મિડ-કેપ આંક પાંચ ટકા અને સ્મોલ-કેપ આંક 12 ટકા નીચે છે. આમ રન રેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો સેન્સેક્સની તેજીની ચાલ સાથે જોડાઈ શકે તેવાં બે જ સેગમેન્ટ છે જે તેજીના માહોલમાં નવી ટોચ બનાવી શકે અને તે એફએમસીજી અને એનર્જી છે. એફએમસીજી ઇન્ડેક્સ ટોચથી માત્ર 0.4 ટકા અને એનર્જી 1.7 ટકા જ દૂર રહ્યા છે.

મુંબઈ શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટકેપનો દોઢ ટકા હિસ્સો ગિરવે

મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ કકંપનીઓના પ્રમોટર્સ દ્વારા વધારે પ્રમાણમાં પોતાના શેર ગિરવે મૂકવામાં આવ્યા છે, જે રોકાણકારોના હિત માટે સારી વાત નથી. એક અહેવાલ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેટલીક કંપનીઓના ગિરવે મૂકેલા એટલે કે પ્લેજ્ડ સ્ટોકનું પ્રમાણ વિક્રમી સ્તરે પહોંચી ગયું છે જ્યારે કેટલીક કંપનીઓમાં તો હોલ્ડિંગ સંપૂર્ણપણે સમાપ્ત થઇ ગયું છે. બીએસઇ ઉપર લિસ્ટેડ 839 કંપનીઓના પ્રમોટરો એ પોતાના શેર અન્ય ગિરવે મૂક્યા છે અને આ શેરનુ કુલ બજાર મૂલ્ય રૂ. 2.35 લાખ કરોડ જેટલું છે. જે બીએસઇ ઉપર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપના દોઢ ટકા બરાબર છે. ચાર કંપનીઓ એવી પણ છે જેમના પ્રમોટરો પોતાનું સમગ્ર શેર હોલ્ડિંગ ગિરવે મૂકી દીધું છે, આવી કંપનીઓમાં મેકડોવેલ હોલ્ડિંગ્સ, પીએમબી પોલિટેક્સ, એમ્ફાસિસ અને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)નું નામ સામેલ છે.

સપ્ટેમ્બર ત્રિમાસિકનો જીડીપી દર પાંચ ટકાથી નીચે જવાની આશંકા

કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં આર્થિક મોરચે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આઠ મુખ્ય ઉદ્યોગોએ 14 વર્ષમાં સૌથી ખરાબ કામગીરી બજાવી છે, બેરોજગારી ત્રણ વર્ષમાં સૌથી વધુ છે અને મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ બે વર્ષમાં સૌથી નીચો છે. આ બધાની પ્રતિકૂળ અસર છે કે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનમાં 5.29 ટકાનો ઘટાડો થયો છે. જીએસટી કલેક્શન સતત ત્રીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી ઓછો રહ્યો છે. ફક્ત છ મહિનામાં સરકારી આવકના સંગ્રહમાં ઘટાડો થતાં જ રાજકોષીય ખાધ 93 ટકા સુધી પહોંચી ગઈ છે. એપ્રિલ-જૂન દરમિયાન જીડીપી વૃદ્ધિ દર છ વર્ષમાં સૌથી ઓછો 5 ટકા હતો. હાલની આર્થિક પરિસ્થિતિ જોતાં જીડીપી વૃદ્ધિ દર બીજા ક્વાર્ટરમાં 5 ટકાથી નીચે આવી શકે તેવી સંભાવના છે, જેથી સરકારને ચિંતા છે.