અમદાવાદ, તા.12
સરકારી મેડીકલ કોલેજો-હોસ્પિટલમાં ભણતાં અને ઇન્ટરનશીપ કરતા રેસિડેન્ટ ડોકટર્સએ પોતાના અભ્યાસ- કામગીરી અને તેના ભારણના પ્રશ્નોને લઈને આરોગ્યમંત્રી અરજી કરી છે. જેમાં વિપરીત પરિસ્થિતિ અને અનિશ્ચિત કામના કલાકો જેવા જુદાં જુદાં પ્રશ્નોને લીધે રેસિડેન્ટ ડોકટર્સ ને પડતી તકલીફો અંગે જુનીયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આ રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જુનિયર રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા રજૂઆત
અમદાવાદની પ્રખ્યાત બી જે મેડીકલ કોલેજ, સોલા મેડિકલ કોલેજ સહિતની રાજ્યની જુદી જુદી સરકારી મેડીકલ કોલેજો- હોસ્પિટલમાં છાશવારે રેસિડેન્ટ ડોકટર્સ અને દર્દીઓ વચ્ચે થંતા સંઘર્ષને કારણે થતી હાલાકી અગે રાજકોટ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટર્સએ આરોગ્યમંત્રી ને લેખિતમાં રજૂઆત કરી રેસિડેન્ટ ડોકટર્સ ની હાલત અંગે સર્વે કરાવવા કરી હોવાનું બહાર આવ્યું છે. જેને અન્ય કોલેજોના રેસિડેન્ટ ડોકટર્સે પણ ટેકો જાહેર કર્યો છે. જુનિયર રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા કરાયેલી રજુઆત મુજબ સરકારી મેડિકલ કોલેજમાં ભણતાં અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોકટરો ની હાલત અત્યંત કફોડી અને દયનીય હોય છે.
રેસિડેન્ટ ડોકટર્સની કફોડી હાલત
આરોગ્યમંત્રી ને કરવામાં આવેલી અરજીમાં રેસિડેન્ટ ડોકટરોનાં અનિશ્ચિત કામના કલાકો, સેફટી ઈકવિપમેન્ટનો અભાવ, પ્રોફેસરો અને સિનિયર ડોકટરોની જોહુકમી, ખરાબ હોસ્ટેલો, અસ્વાસ્થયપ્રદ આહાર, અપુરતી ઊંઘ જેવા ઘણાં ફેક્ટરો રેસિડેન્ટ ડોકટરો અને તેમની કામગીરીને અસર કરે છે, એમ જણાવાયું છે.
ઉપરોક્ત કારણોસર રેસિડેન્ટ ડોકટરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર અવળી અસરો પડે છે. આથી ઘણાં રેસિડેન્ટ ડોકટરો ટી.બી, સ્વાઇન ફલૂ, સીસીએચેફ, ડેન્ગ્યુ, કમળો જેવા રોગનો ભોગ બની રહ્યાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. કારણ કે સરકારી હોસ્પિટલમાં ગ્લોવ્ઝ, માસ્ક, એપ્રન પૂરતા હોતાં નથી. મોટાભાગની સરકારી હોસ્પિટલમાં ઇન્ટરશીપ કરતા રેસિડેન્ટ ડોકટરોને દૈનિક ૧૨ થી ૧૬ કલાક કે તેથી વધુ સમય કામગીરી કરવી પડે છે. આના બદલે રોટેશન ડ્યુટીની માંગણી કરવામાં આવી છે. જેથી ડોકટરોને જુદાં જુદાં યુનિટમાં ચોક્કસ કામ કરવા મળે.
સિનિયર ડોકટર્સ-પ્રોફેસર જુનિયર પર જવાબદારી ઢોળી દે છે
સોલા સિવિલ હોસ્પિટલ ના એક રેસિડેન્ટ ડોકટર કહે છે કે, અમારી હોસ્પિટલ એસ જી હાઈ વે પર આવેલી છે અમારે ત્યાં દિવસ-રાત રોડ એક્સિડન્ટનાં ઈમરજન્સી ના કેસ આવે છે. અહીં પ્રોફેસરો અને સિનિયર ડોકટરો મોટેભાગે નાઈટ ડ્યુટી કરતા જ નથી અને ઇમરજન્સી સહિત તમામ નાઈટ ડ્યુટીની જવાબદારી જુનિયર રેસિડેન્ટ ડોકટર ઉપર ઢોળી દે છે. જેથી ઘણીવાર દર્દી કે દર્દીઓના સગાસંબંધીઓ સાથે રેસિડેન્ટ ડોકટરોને સંઘર્ષ થાય છે.
મેડીકલ કોલેજમાં સર્વેની ભલામણ
આ સાથે ગંદી હોસ્ટેલ, કેન્ટીનોના બીનઆરોગ્યપ્રદ ભોજન અંગે પણ ફરિયાદ કરાઈ છે. ખાસ કરીને રેસિડેન્ટ ડોકટરો ના પ્રશ્નોને લઈને રાજ્યભરની તમામ મેડિકલ કોલેજોમાં સર્વે કરાવવા ની ભલામણ પણ કરવામાં આવી છે.