[:gj]દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત[:]

[:gj]અમદાવાદ, તા.11

વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રથમ તો રોડ બેસી ગયો હતો, જે અંગે કોર્પોરેટરને અરજી કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરે આ અરજીને આગળ પણ મોકલી હતી. આ અરજીના પગલે કોર્પોરેશન દ્વારા માત્ર ડામર પાથરવામાં આવ્યો હતો, રોડ બેસી જવાના કારણ અંગે કોઈ તપાસ કરવામાં આવી નહોતી. જો અરજી કર્યા બાદ યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના સર્જાઈ જ ન હોત. નસીબજોગ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે કોર્પોરેશન દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે તે જોવામાં આવી રહ્યું છે. દુર્ઘટના બાદ અમપાના અધિકારીઓએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત લેનારી ટીમમાં એક મહિલા અધિકારી હાજર લોકોને જણાવી રહ્યાં હતાં કે, ‘કોઈ મરી જાય તો પણ અમને શું? આ વોર્ડ અમારામાં નથી આવતો.’

દુર્ઘટના પીડિત બાઈકચાલકની નજરે

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બાઈકચાલકના જણાવ્યા પ્રમાણે સવારે 8થી 8:30 દરમિયાન તેઓ ઓફિસ માટે નીકળ્યા હતા, ત્યારે નરોડા ગામથી 500 મીટરના અંતરે નાના ખાડા પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ખાડામાં ઉતરી ગયું હતું, જ્યારે બાઈક છોડી દેવાના કારણે તેઓ ખાડાની બહાર પડ્યા હતા. ચાલુ બાઈક પરથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી, જો કે ખાડામાં પડ્યા હોત તો જાનહાનિ પણ સંભવ હતી. ઈજાગ્રસ્ત બાઈકચાલકને જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આંતરિક ઈજા થઈ હોવાનું જણાયું છે.[:]