અમદાવાદ,તા:18
સહકારી બેન્કોને આર્થિક કૌભાંડોથી બચાવવા માટે બહુ જ સમજી વિચારીને તૈયાર કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓને ઉલટાવવા માટે ગુજરાતના સહકારી આગેવાનો એક થઈને ટોચના હોદ્દેદારોની સમયાવધિ વધારવા માટે સરકારમાં ધા નાખી છે. ગુજરાત રાજ્ય કોઓપરેટીવ બેન્ક ફેડરેશને ગુજરાતની સહકારી બેન્કો ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દાની મુદત અઢી વર્ષથી વધારીને 5 વર્ષની કરી આપવાની માગણી કરી છે. અગાઉ પાંચ વર્ષની મુદત હતી ત્યારે બેન્કના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરોએ તેમના સ્થાપિત હિતો ઊભા કરીને ખોટા ધિરાણો કરી બેન્કની એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો કર્યો હતો. તેમ જ સદ્ધર બેન્કોને અદ્ધર કરી દીધી હતી.
તેમની આ માગણી પૂરી કરાવવા સહકારી કાયદાની કલમ 115 (ચ)માં કરવામાં આવેલી જોગવાઈને સુધારીને તેમના હોદ્દાની મુદત અઢી વર્ષથી વધારીને પાંચ વર્ષની કરી આપવાની માગણી કરવામાં આવી છે. ગત સપ્તાહમાં આ મુદ્દે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને મળીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમને હોદ્દા પરથી વહેલા દૂર કરવામાં ન આવે અથવા તો બેથી વધુ ન હોય તેટલી મુદત સુધી હોદ્દો ધરાવે તેવી જોગવાઈ કરવાની માગણી કરવામાં આવી છે. ટૂંકમાં સહકારી બેન્કના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની મુદત અઢી વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી આપવા માટે હાલના સહકારી આગેવાનો જોર લગાવી રહ્યા છે. બોર્ડના સભ્યોની ટેન્યોર-મુદત જેટલી જ મુદત ચેરમેન્, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની રાખવાની માગણી કરવામાં આવી છે.
આ માટે તેમણે એવી દલીલ કરી છે કે નવ નિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન માટે બેન્કના વિકાસના કામ કરવા માટે અઢી વર્ષનો સમયગાળો બહુ જ ટૂંકો પડી રહ્યો છે. ગુજરાતના શહેરી વિસ્તારોને બાદ કરતાં અર્ધશહેરી કે નાના શહેરો અથવા તો ગ્રામીણ વિસ્તારમાં સહકારી બેન્કનું વ્યવસ્થિત અને સુચારુ ઢબે સંચાલન કરી શકે તેવી વ્યક્તિઓ પણ મળતી નથી. તેથી પણ તેમની મુદતમાં વધારો કરવો જરૂરી છે. વર્તમાન સહકારી કાયદાની કલમ 74(ચ)માં કરવામાં આવેલી જોગવાઈનો ઉપયોગ કરીને ટોચના હોદ્દેદારો સામે અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેને દૂર કરી શકાય તેમ છે. તેમ જ શહેરી સહકારી બેન્ક માળખાકીય દ્રષ્ટિકોણથી પ્રાથમિક સહકારી મંડળી જ છે. તેથી કલમ 74(આઈસી) (આઈ)ની જોગવાઈમાંથી પણ સહકારી બેન્કોની બાદબાકી કરી દઈને કલમ 115 (ચ)માં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે. તદુપરાંત સહકારી કાયદાની કલમ 74 (ક), 76 (ક) (પેટા કલમ 1 અને 2 સહિત રદ કરવાની માગણી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય કોઓપરેટીવ બેન્ક ફેડરેશનના આ ફેરફારની માગણી સાથે ગુજરાતની 200થી વધુ સહકારી બેન્કના તમામ હોદ્દેદારો સહમત નથી. ઘણાં લોકો આ માગણીનો વિરોધ પણ કરી રહ્યા છે. માધુપુરા બેન્કનો ફિયાસ્કો થયો અને હજારો થાપણદારોના કરોડો રૂપિયા ડૂબી ગયા ત્યાર બાદ ગુજરાતની 80થી વધુ સહકારી બેન્કો બંધ થઈ ગઈ છે. ચરોતર નાગરિક સહકારી બેન્ક કે પછી વીસનગર નાગરિક સહકારી બેન્કના ટોચના હોદ્દેદારો જ બેન્કના બદહાલ માટે જવાબદાર હતા. અમદાવાદની જનરલ કોઓપરેટીવ બેન્ક કે પછી પિપલ્સ કોઓપરેટીવ બેન્કને ખાડે લઈ જવામાં તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સ જ જવાબદાર હતા.
જૂની વ્યવસ્થા હેઠળ બેન્કના ચેરમેનના હોદ્દા પર આવેલી વ્યક્તિ 15 વર્ષ કે તેનાથીય વધુ વર્ષ સુધી હોદ્દો છોડતી નહોતી. પહેલા ચેરમેન્ તરીકે પાંચ વર્ષ સુધી સહકારી બેન્કને બાપીકી જાગીરની માફક ચલાવતા હતા. ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર તરીકનો હોદ્દો ગ્રહણ કરીને ઠરાવના માધ્યમથી ચેરમેનના તમામ પાવર મેનેજિંગ ડિરેક્ટરને ટ્રાન્સફર કરીને બીજી પાંચ વર્ષની મુદત માટે સહકારી બેન્ક પર કબજો જમાવીને બેસી જતાં હતા. આ જ રીતે વાઈસ ચેરમેન બનીને ત્રીજા પાંચ વર્ષ માટે તે બેન્કને ચલાવતા હતા. આ ગાળા દરમિયાન પોતાના સગાંને નામે લોન લઈને બેન્કના થાપણદારોના પૈસાનો ઉપાડ કરીને પછી ન ભરતાં હોવાનું પણ સંખ્યાબંધ કિસ્સાઓમાં બહાર આવ્યું છે. પોતાની પેઢી કે સંસ્થાઓને ડોનેશન અપાવીને કૌભાંડ કરતાં હતા. ખોટી લોન આપીને કે પાત્રતા ન ધરાવતી વ્યક્તિઓને લોન આપીને બેન્કની નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો કરવાનું કામ કરતાં હતા.
આ પ્રકારના સ્થાપિત હિતો સહકારી બેન્કમાં ઊભા ન થાય તે માટે ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની મુદત અઢી વર્ષની જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યો તે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અન્ય સભ્યોને પણ પોતાને ચેરમેન, વાઈસ-ચેરમેન કે પછી મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો મળશે તેવી આશામાં તેઓ પણ સક્રિય રહે છે. બેન્કના દરેક કામમાં જીવંત રસ લે છે. પહેલા બોર્ડના સભ્યોને ખબર હતી કે તેમનો વારો દસથી પંદર વર્ષ સુધી આવવાનો જ નથી. તેથી તેઓ પણ બેન્કના કામકાજમાં ઉપરછલ્લો રસ લેતા હતા. પરિણામે કૌભાંડ કરનારા ટોચના હોદ્દેદારોને મોકળું મેદાન મળી જતું હતું.