સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનું બિલ્ડીંગ જર્જરીત હાલમાં હતુ અને રાત્રે 1 વાગ્યે બિલ્ડીંગ નમી પડયુ બાદમાં વહેલી સવારે ધરાશાયી થઇ ગયું હતુ. જેથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. બિલ્ડીંગ નમવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. બચાવ કામગીરી ચાલુ કરી હતી. તમામ 11 પરિવારના 30 જેટલા રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. બાદમાં બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડ્યું હતુ. 35 વર્ષ જૂના આ બિલ્ડીંગને કોર્પોરેશને સમારકામ માટે નોટિસ પણ આપી હતી.
સુરત સહિતના રાજ્યના અનેક શહેરોમાં આવા મોતના અનેક બિલ્ડીંગો છે.
સુરત જિલ્લામાં 800 મકાનો જર્જરિત
સુરત જિલ્લામાં 800 મકાનો જર્જરિત છે. 47 પ્રાથમિક શાળામાં 159 ઓરડા જર્જરિત છે. માંડવી તાલુકાના ચોરાબાં ગામની 22 પ્રાથમિક શાળાના ઓરડા તોડી પાડવાની મંજૂરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને નજીકના પંચાયતના મકાનમાં ભણાવવામાં આવી રહ્યા છે.
સુરત શહેર
સુરતમાં 870 મકાનો ભયજનક છે. સુરતના ભેસ્તાનમાં આવેલા સરસ્વતી આવાસના 400 ઘરોની છતો પરથી કપચીઓ ઉખડીને ગાબડાં પડી રહ્યાં છે. સાત વર્ષ પહેલા પાલિકાના ભ્રષ્ટ શાસકોએ ખખડધજ આવસો પઘરાવી દીધા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે. માત્ર સાત જ વર્ષમાં લોકો રસ્તા પર આવી ગયા છે. સરસ્વતી આવાસના અનેક પરિવારો અહીં જ તંબુ કે વાંસના ઝૂંપડા બાંધીને ખુલ્લામાં રહે છે. સુરત કોર્પોરેશને અહીં 22 બિલ્ડિંગો બનાવી છે જેમાં 650 પરિવારો નર્ક જેવી જિંદગી જીવી રહ્યાં છે. સરકાર પાસેથી 84,000 રૂપિયામાં ફ્લેટ મળ્યો હતો. મહિને રૂ. 750નો હપતો આજે લોકો ભરે છે.
અમદાવાદના 900 મકાનો ભયજનક
ઓઢવમાં ચાર માળીયા ઇમારતના બે બ્લોક પડવાની ઘટના 2018માં બન્યા બાદ જર્જરિત મકાનોને નોટિસ ઇશ્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓઢવમાં જીવન જ્યોત ચાર માળીયા બિલ્ડિંગના બે બ્લોક પડી જતાં ભારે હાહાકાર મચી ગયો હતો. પાંચ બ્લોકને પણ ખાલી કરાવવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા ઘટના બાદ બ્લોકની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હાલમાં શહેરમાં 950 જેટલી જર્જરિત ઈમારતો હોવાનું બહાર આવ્યું છે, જેમની પર ઓઢવ જેવી ઘટના થવાનો ભય રહેલો છે. જેથી હવે કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ આપી કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૌથી વધુ જર્જરિત મકાનો મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં હોવાનું જાણવા મળે છે. 20 પુલ જૂના છે તે પણ ચકાસી લેવાનું નક્કી કરાયું છે.
8 શહેરોમાં 50 હજાર ઘર જોખમી
ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જૂનાગઢ-પાટણ જેવા એક હજાર વર્ષ જૂના શહેરોમાં તો હાલત ખરાબ છે. માર્ગ અને મકાન વિભાગમાં ઉચ્ચ સ્થાન પર કામ કરી ચૂકેલા નિવૃત્ત અધિકારી અંદાજ મૂકીને કહે છે કે, સરકારે પોતાની, ખાનગી અને અર્ધસરકારી મકાનોની વિગતો તુરંત મેળવવી જોઈએ, નહીંતર લોકો ઓઢવની ઘટનાની જેમ મોતને ઘાટ ઉતરતાં રહેશે.
રિડેવલપમેન્ટ નીતિ
અમદાવાદમાં ઓઢવમાં મકાન પડી જવાની ઘટના બાદ ગુજરાત સરકાર જર્જરિત મકાનોને ફરીથી બનાવવા માટેની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી રહી હોવાનું કહે છે. આ અગાઉ પણ 2013મા આ નીતિ બનાવવાની જાહેરાત કરી હતી. તેમ છતાં તેમાં આજ સુધી કંઈ થયું નથી. આ અગાઉ સ્લમ રિ-ડેવલપ પોલિસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી હતી. જેમાં સરકારે બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપવાની જોગવાઈ કરી હોવા છતાં તેમાં કોઈ સફળતા મળી નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણેક દશકા જૂના આવાસોના પુનઃનિર્માણ માટે એક રિડેવલપમેન્ટ પોલિસી બની પણ તેમાં કોઈ યોજના આજ સુધી બની શકી નથી. શહેરી ગૃહ નિર્ણાણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન શંકર ચૌધરી તેમાં નિષ્ફળ રહ્યાં હતા. હાલ શહેરોમાં મીડલ ક્લાસ ફેમિલિની સંખ્યા વધી છે. અગાઉ જ્યારે આ વસાહતો બની ત્યારે FSI ઘણી ઓછી હતી.
નવી નીતિ
ગુજરાત સરકાર દ્વારા જે રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવી છે તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, સરકારી ઇમારતો કે ખાનગી મકાનો વર્ષ 2000 અગાઉ બાંધવામાં આવી હશે, તેને જૂની મિલકત માનવામાં આવે છે. જે તે સોસાયટી કે ફ્લેટ કે ટાવરમાં વસતા આશરે 60 ટકા લોકો જો આ માટે મંજૂરી આપશે તો તે સ્થળે નવી બહુમાળી ઇમારત બાંધી શકાશે. મકાન ધારકોને 10 ટકા વઘારે જગ્યા આપવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કુલ 300 સ્થાળો આવા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ હેઠળ બનાવાયેલી સોસાયટીઓને વર્ષ 2015મા રિ-ડેવલોપમેન્ટ પોલિસી હેઠળ આવરી લીધી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ દશકાઓ જૂની છે.
અગાઉ નિષ્ફળ નીતિ
રાજ્ય સરકારે 2010મા સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવી હતી જેમાં કોઈ સ્કીમ અમલી ન બનતાં 2013મા ફરી સુધારા કરીને નવી નીતિ બનાવી હતી. જેમાં 3.50 લાખ ઝૂંપડાના સ્થાને માત્ર 5 હજાર મકાનો જ બની શક્યા હતા. 15 હજાર બીજા મકાનો માટે મંજૂરી પણ આપી હતી. રાજ્યના તમામ શહેરોમાં તમામ 12 સત્તામંડળો, 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને હાઉસિંગ બોર્ડે છેલ્લા પાંચ વર્ષમાં એક લાખથી વધુ મકાનો બાંધ્યા નથી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ. 33,000 કરોડના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે જેમાંથી 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં. પણ ગુજરાત સરકાર ફરી ગઈ હતી અને 2012મા 22 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. તેમાંથી 2017 સુધીમાં માત્ર 4 ટકા એટલે કે 85,046 હજાર મકાનો બની શક્યા હતા. 2015-16મા 18,574 અને 2016-17મા 35,258 મકાનો ગરીબો માટે બનાવ્યા હતા. 2012થી 2017 સુધી સરકારે રૂ. 3,972 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાતને સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે રૂ. 2,521 કરોડનો ખર્ચ કર્યો હતો. પણ આજે ઝૂંપડાતો એમના એમ જ છે. એ નાણાં ક્યાં વપરાયા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં 420 પરિવારો
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 420 મકાનો જર્જરિત હાલતમાં છે. જર્જરિત હાલતે મકાનો પડું-પડું થતા મકાનોમાં રહેતા પરિવારોને સરકારી તંત્ર દ્વારા નોટિસ ફટકારી ખાલી કરાવવામાં આવી છે પણ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
રાજકોટ
રાજકોટમાં 803 મકાનોને નોટિસ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ શાખા દ્વારા ઇસ્ટ ઝોનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 744 ફ્લેટ સહિત 758 મિલકતો જોખમી છે. જેમાં નિલમ પાર્કના 10, કેન્દ્ર સરકારના એક મકાનનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં રઘુવીરપરા, બંગડીબજાર, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, રામનાથપરા પાસે, ઘી કાંટા રોડ, કોટક શેરી, સદર બજાર સહિતના વિસ્તારોમાં 44 મિલકતો જોખમી છે. સૌથી વધુ વોર્ડ નં. 7મા જોખમી મિલકતો આવેલી છે. વેસ્ટ ઝોનમાં માત્ર એક મિલકત જોખમી છે. સરકીટ 11 ક્વાર્ટર અને CFL બંગલાનાં અડધો ડઝન મકાનો તોડી પાડવાના છે.
વડોદરામાં 285 મકાનો
વડોદરાના 285 જર્જરિત મકાનોને ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. આ મકાનો મોટો ભાગે જૂના શહેરના છે. જે ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે. ચાર ઝોનના સરવેમાં ઉત્તર ઝોનમાં 60, દક્ષિણ ઝોનમાં 35, પૂર્વ ઝોનમાં 160 અને પશ્ચિમ ઝોનમાં 30 જર્જરિત મકાનો છે.
જામનગર
જામનગર મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના દ્વારા થયેલી મોજણીમાં 65 મકાન જર્જરિત હતા. આવા મકાનના કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. દર વર્ષે આવું કરવામાં આવે છે પણ પછી કોઈ કાર્યવાહી અધિકારીઓ કરતાં નથી.
અમદાવાદ હાઉસિંગ બોર્ડ
શહેરના કોટ વિસ્તાર, નરોડા સહિત વિવિધ વિસ્તારોમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની વસાહતોના 5 હજાર મકાનો એવા છે કે જે જર્જરિત છે. ગમે ત્યારે તૂટી પડે તેમ હોવા છતાં મ્યુનિ.ને વારંવાર ફરિયાદો કરાઈ છતાં પણ આ વસાહતોના રિ-ડેવલપમેન્ટના મુદ્દે સમંતિ થતી નથી.