હત્યારા છબીલ પટેલે છેલ્લા આરોપી નિખિલ થોરાટને હાજર કરાવ્યો

કેસની ટ્રાયલ વહેલી શરૂ થાય તે માટે આરોપીઓના પ્રયત્નો

અમદાવાદ

મીઠી ખારેક પ્રકરણમાં થયેલા વિવાદમાં જયંતિ ભાનુશાળીની હત્યા તેમના રાજકીય હરિફ છબીલ પટેલે હત્યા કરાવી નાંખી. ચાલુ ટ્રેનમાં ભાડૂતી હત્યારાઓની મદદથી ખેલ ખલાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નિખિલ થોરાટ હાજર થઈ જતા સૌ કોઈને આશ્ચર્ય થયું છે.મહિનાઓથી પોલીસને હાથ તાળી આપી રહેલો નિખિલ થોરાટ અચાનક જ પોલીસ સમક્ષ આવી ગયો અને કહ્યું કે, મારી ધરપકડ કરો. નિખિલ થોરાટે છબીલ પટેલના ઈશારે શરણાગતિ વ્હોરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. જ્યારે એક માત્ર નિખિલ થોરાટ ફરાર હતો. નિખિલની ધરપકડ થાય તો કેસની ટ્રાયલ વહેલી શરૂ થઈ શકે છે. જેથી છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીના ઈશારે નિખિલ થોરાટ પોલીસ પાસે દોડી આવ્યો. નિખિલને અદાલતમાં રજૂ કરી તેના આઠ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.

કચ્છમાં રાજકીય વર્ચસ્વ જમાવવા માટે ભાજપના જ બે નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી લડાઈ ચાલી રહી હતી. અબડાસા બેઠકના બે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેની લડાઈ એકબીજાના ચારિત્ર્ય પર છાંટા ઉડાડવા સુધી પહોંચી ગઈ હતી. એકબીજાની સામે પોલીસ ફરિયાદ કરાવનારા ભાનુશાળી અને પટેલ વચ્ચે ચાલતા ઘમાસાણથી ભાજપના નેતાઓ અને કચ્છની પ્રજા પણ વાકેફ હતી. અચાનક જ તારીખ 7 જાન્યુઆરી 2019ના રોજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા જયંતિ ભાનુશાળીની સામખિયાળી સ્ટેશન આવતા પહેલાં જ બે શખ્સો હત્યા કરી નાસી જાય છે.

જયંતિ ભાનુશાળીની હત્યા થવાની ઘટના સામે આવતાની સાથે જ પોલીસ હરકતમાં આવી જાય છે. ભાનુશાળી સાથે કોચમાં મુસાફરી કરી રહેલા એક માત્ર સાક્ષી અને ટેકનિકલ સર્પોટના આધારે પોલીસની તપાસ શરૂ થાય છે. આ ચકચારી મર્ડર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવે છે. હત્યાનું કાવતરૂ છબીલ પટેલ અને તેના મિત્ર જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાએ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા પૂનાની ક્રિમીનલ ગેંગના શૂટર શશીકાંત કાંબલે ઉર્ફે બિટીયાદાદા અને અશરફ શેખે ચાલુ ટ્રેને કરી હોવાનું સામે આવ્યું હતું.

હત્યાની સાજીશમાંથી તેમજ ધરપકડથી બચવા ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ હત્યાના છ દિવસ પહેલા જવિદેશ ચાલ્યો ગયો હતો. પહેલા મસ્કત અને તે પછી અમેરિકા ખાતે છબીલ રોકાયો હતો. છબીલ પટેલના વેવાઈ, પુત્ર સિદ્ધાર્થ અને જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની ધરપકડ થતા માર્ચ મહિનાની મધ્યમાં અમેરિકાથી પરત ફર્યો હતો. લાખો રૂપિયાની સોપારી આપી મનિષા ગોસ્વામી અને જંયતિ ડુમરાની મદદથી છબીલે જયંતિની હત્યા કરાવી હોવાના પૂરાવા પોલીસે મેળવી લીધા હતા.

છબીલ પટેલની ધરપકડ બાદ પોલીસે વૉન્ટેડ મનિષા ગોસ્વામી, સૂરજીત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટની ધરપકડ માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા અને આખરે નવેમ્બર મહિનાની શરૂઆતમાં મહેનતનું ફળ મળ્યું. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતેથી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ કરવામાં આવી અને બાકી રહ્યો છેલ્લો આરોપી નિખિલ થોરાટ.

ધરપકડ કરાયેલા આરોપીઓ

ભાજપનો પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સિધ્ધાર્થ છબીલ પટેલ, જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા, મનિષા ગોસ્વામી, સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ, નિતીન પટેલ઼, રાહુલ પટેલ, શૂટર શશીકાંત કાંબલે ઉર્ફે બિટીયાદાદા, શૂટર અશરફ, વિશાલ કાંબલે (ગેંગના સાગરીત), રાજુ ધોત્રે (ગેંગના સાગરીત), નિખિલ થોરાટ

નિખિલ થોરાટની ભૂમિકા

જયંતિ ભાનુશાળીના હત્યા કેસમાં નિખિલ થોરાટે પહેલેથી લઈને છેલ્લી ઘડી સુધી જુદીજુદી ભૂમિકાઓ ભજવી છે. ભાનુશાળીની હત્યા માટેની ડીલ માટે વિશાલ કાંબલેને નિખિલ છબીલ પટેલ પાસે લઈ ગયો હતો અને સોપારી પેટે રૂપિયા લીધા હતા. મુંબઈથી પ્લેનમાં મનિષા અને જયંતિ ડુમરા સાથે નિખિલ ભૂજ આવ્યો હતો. પૂના ખાતેથી શૂટરને સુરજીત ભાઉ અને નિખિલ સાથે લઈને અમદાવાદ આવ્યા હતા. હત્યા કર્યા બાદ આરોપીઓને ભાગી સુરક્ષિત રીતે ભાગી જવા માટે મનિષા અને નિખિલ થોરાટે જીપીએસ રૂટ બનાવી આપ્યો હતો. હત્યા બાદ ફરાર આરોપીઓને રોકાવાની-છુપાવવાની મદદ પણ નિખિલ કરતો રહ્યો હતો.