અમદાવાદ, તા.10
ફિલ્મ એકટ્રેસ સોહાઅલી ખાનના ટ્વીટ બાદ શરૂ થયેલી હાઈપ્રોફાઈલ મીસીંગ કેસની તપાસમાં લાપતા થયેલી વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાંચે શોધી લીધા છે. લાપતા થયેલા બંને મિત્રો ફોન નહીં વાપરતા હોવાથી તેમને શોધવા પોલીસ માટે કઠીન હતું. વૃષ્ટી કોઠારીએ કરેલા ઈ-મેઈલના આધારે ક્રાઈમ બ્રાંચ તેના સુધી પહોંચી શકી હતી. દસ દિવસ અગાઉ ગુમ થયેલી વૃષ્ટી અને શિવમ હેમખેમ મળી આવતા તેમના પરિવાર અને પોલીસે હાશકારો અનુભવ્યો છે.
દસેક દિવસથી ગુમ થયેલી શ્રીમંત પરિવારની વૃષ્ટી કોઠારીના મામલે ટ્વીટ થયા બાદ હરકતમાં આવેલી પોલીસે ગુમ થયેલા બંને મિત્રોને શોધવા તપાસનો ધમધમાટ બોલાવી દીધો હતો. ગુમ થયેલી વૃષ્ટી અને શિવમને શોધી કાઢવા નવરંગપુરા પોલીસે પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાનમાં બંને જણા કાલુપુર સ્ટેશન ખાતે દેખાતા તેઓ શહેર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલે પોતાના મોબાઈલ ફોન સ્વીચઓફ કરી દીધા હોવાથી તેમનું લોકેશન મેળવવું પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું. જો કે, માતાની ચિંતા થતા વૃષ્ટીએ ઈ-મેઈલ કરી પોતે હેમખેમ હોવાનું જણાવ્યું હતું. ઈ-મેઈલની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચ કામે લાગી ગઈ હતી.
વૃષ્ટીએ કરેલા ઈ-મેઈલની આઈપી એડ્રેસના આધારે ક્રાઈમ બ્રાંચે તેનું લોકેશન મેળવવા પ્રયાસ શરૂ કરતા બંને જણા ઉત્તર ભારતમાં હોવાની જાણકારી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આઈપી એડ્રેસના આધારે બંને જણાને શોધી કાઢ્યા છે. બંને જણા હેમખેમ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.