અંજલીતાઈ
નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલમુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ્યમંત્રી થયા પછી મારી અને તેમની મુલાકાત થઈ નથી, વિજયભાઈ સંગઠનનો હિસ્સો બન્યા અને અમદાવાદના ખાનપુર કાર્યાલયમાં આવતા ત્યારે અનેક વખત તેમને મળવાનું થતુ હતું, ત્યારથી આજ સુધી એટલે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી મારો તેમના અંગેનો જે મત છે તે પ્રમાણે લો પ્રોફાઈલ વ્યકિત અને નેતા છે, રાજકોટના વતની હોવા છતાં છાકો પાડી દેવાનો તેમનો સ્વભાવ નથી, તેમની સાલસતાને લોકો નબળાઈ સમજે તે લોકોની સમજ છે.
મુખ્યમંત્રી થયા પછી પણ તેમના સ્વભાવમાં જીદ્દીપણું અને વિરોધી પ્રત્યે ડંખીલાપણું આવ્યું નથી તે માણસ તરીકેની તેમની ઉત્તમતા છે. હવે તમારી વાત કરીએ તમે અમદાવાદ મણિનગરની દક્ષિણી સોસાયટીમાં રહેતા હતા અને અખીલ ભારતીય વિધ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારથી તમારો નાતો સંઘ અને ભાજપ સાથે જોડાયેલો છે, તમારું નામ અંજલી બક્ષી હતું અને તમે અંજલી રૂપાણી થયા તે એક સંજોગ છે. તમે અંજલી રૂપાણી ના થયા હોત તો પણ તમારો નાતો સંઘ અને ભાજપ સાથે રહેવાનો જ હતો, તેમાં કોઈ શંકા નથી, પણ હવે જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની છો અને સરકારી નિર્ણય અને સંગઠનની કામગીરીમાં તમારો મત રજૂ કરો છો તે મતને આદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આમ તમારા મતનું અર્થઘટન ખોટું થાય છે અને સરળ અર્થ એવો કરી લેવામાં આવે છે કે સરકારી કામમાં દખલ કરો છો અથવા સરકાર તમે ચલાવો છે.