અડવાણીની મજાર પર અમિત શાહનો તાજમહેલ

અમિત શાહના ભાજપને પોતાની હરિફાઈ કરી શકે એવા અનુભવી નેતાઓની આવશ્યકતા નથી. પક્ષ માટે લોહી રેડીને સિંચેલા પક્ષના વરિષ્ઠ અને સક્ષમ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. છે્લલો ખીલો અડવાણીનો મારી દેવાયો છે. અડવાણીની જાગીર જેવી ગાંધીનગરની બેઠક હવે મજાર બની ગઈ છે. જેના પર અમિત શાહ હવે પોતાનો તાજમહેલ બનાવી રહ્યાં છે.

ભારતમાં 1990 પછી રામ મંદિરનો મુ્દદો આગળ કરીને વહીં બનેગાં મંદિરના નારા સાથે હિન્દુત્વની લહેર પર સત્તા સુધી ભાજપ પહોંચ્યો હતો. પણ વાજપેઈ અને મોદીની પૂર્ણ બહુમત ધરાવતી સરકારે મંદિર ન બનાવ્યું પણ ભાજપને મંદિર જેવું બનાવવામાં તેમનો ફાળો હતો એવા નેતાઓને કબર બનાવી દીધી છે.

ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને નાયબ વડાપ્રધાન ગુજરાતના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ નહીં આપીને ગાંધીનગરની બેઠક પર અમિત શાહે પોતે ચૂંટણી લડવાનું નક્કી કરીને અવાણીને ખતમ કરવાનો આખરી ખીલો અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને આરએસએસ દ્વારા મારી દેવાયો છે. જ્યાં 23માંએ ચૂંટણી થવાની છે. ભાજપને સત્તા સુધી લઈ જનારા વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડો.પ્રવિણ તોગડીયા હતા. તેમને અડવાણી પહેલાં જ સંઘમાંથી ખતમ કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2001 પછી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સુરેશ મહેતાનો એકડો કાઢી નાંખવામાં આવ્યો હતો તેમ અડવાણીનો ખાત્મો બોલાવી દેવાયો છે.

ભાજપની પહેલી હરોળના નેતાઓની કારકિર્દીને ખતમ કરવાનું ગુજરાતમાંથી મોદી અને શાહે શરૂ થયેલી આ ઝૂંબેશ દિલ્હીમાં આગળ વધી છે. ગુજરાતના સિનિયર નેતાઓમાં સંખ્યાબંધ રાજકીય નેતાઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. આ નેતાઓનો ઉદય 1995માં ભાજપની ગુજરાતની સરકાર સાથે થયો હતો. ભાજપમાં 1995 પછી સ્વ. ચીમન શુક્લ, સ્વ. કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇને હડધૂત કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપનો ઉદય 1995માં થયો હતો ત્યારે જેઓનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો તેવા નેતાઓ આજે ભાજપના  ખૂણામાં ધકેલી દેવાયા છે. જે પૈકીના ઘણાં નેતાઓના જીવનનો પણ અસ્ત પણ થઇ ચૂક્યો છે.

ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓની બોલબાલા છે. ભાજપમાં ટોચ પર 28 ટકા અને કાર્યકરકક્ષાએ 35 ટકા કોંગ્રેસના લોકો આવી ગયા છે. ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ચાર કલાકમાં કેબિનેટનું પદ મળી જતું હોય છે. કોંગ્રેસ છોડવાનો વિચાર કરે તે ધારાસભ્યની આગળ પાછળ મધમાખીની જેમ ભાજપના નેતાઓ ફરતા જોવા મળે છે. ભાજપમાં પાયાના કાર્યકરોની જગ્યાએ પારકાને વહાલા કરવાનો સમય આવ્યો છે. ભાજપના નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનું લિસ્ટ બનાવે તો તેમને પણ આશ્ચર્ય થશે તે આપણી પાર્ટી કોંગ્રેસનો નવો અવતાર બની ચૂકી છે.

ગુજરાતમાં કેશુભાઇ પટેલનું શાસન હતું ત્યારે જે લોકો સુપ્રીમ પદ ભોગવી રહ્યાં હતા તેઓ આજે અસ્તાચળ ભણી ધકેલાયા છે. 2001માં જ્યારે ભાજપનું ક્લેવર બદલાયું અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી કેશુભાઇ પટેલ અને તેમના જૂના સાથીદારોને પાર્ટીએ ખૂણામાં ધકેલી દીધા છે. મોદીની સાથે અમિત શાહની રાજકીય કારકિર્દી શરૂ થઇ ત્યારે તેમના જૂના સાથીદારો કે જેમણે ભાજપની સરકાર બનાવવામાં દિવસ-રાત એક કર્યા છે તેઓ આજે સક્રિય રાજકારણમાં ક્યાંય જોવા મળતા નથી.

ભાજપમાં સેકન્ડ કેડરમાં સત્તા ચલાવવાની આવડત નથી પરંતુ કોઇના પપેટ બનવાની માસ્ટરી છે. ગુજરાત ભાજપમાં આ પ્રકારનું પપેટ રાજ ચાલે છે. નવી પેઢીના નેતાઓ પાર્ટીમાં સારૂં કે ખરાબ જોતા નથી પરંતુ સત્તા મળી જાય છે ત્યારે ઉપરના સાહેબ કહે તેમ નિર્ણયો લેવા પડે છે. કેશુભાઇ પટેલની સરકારમાં કેબિનેટ મંત્રીઓ ફ્રી હતા. તેઓ જાતે નિર્ણય લઇ શકતા હતા પરંતુ હવેની ભાજપની સરકારમાં કેબિનેટ મંત્રીઓ પાસે એટલા પાવર નથી. કેબિનેટ મંત્રીના સેક્રટેરીની બદલી થાય ત્યારે જે તે મંત્રીને મિડીયા મારફતે ખબર પડે છે. ભાજપે મુખ્યમંત્રીના દાવેદાર બે નેતાઓ આનંદીબહેન પટેલ અને વજુભાઇ વાળાને રાજ્યપાલ પદે બેસાડી દીધા છે. આ પહેલાં કેબિનેટમાંથી દૂર કરવા માટે અશોક ભટ્ટ અને વજુભાઇ વાળાને વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપની જૂની ધરીના નેતાઓમાં કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, સંજય જોષી અને શંકરસિંહ વાઘેલા હયાત છે પરંતુ જેમની સૌથી વધુ અવગણના થઇ હતી તેવા કાશીરામ રાણા, ચીમન શુક્લ આજે હયાત નથી. ગુજરાતમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું શાસન છે. જે મોદી અને અમીત શાહના પપેટ છે. જ્યાં સહી કરવાનું કહે ત્યાં સહી કરી આપે છે. જે નિવેદન કરવાનું હોય તે નિવેદન કરી આપે છે. શાહ અને મોદી કહે તે ફાઈલ  કોઈ સાચા નોટીંગ વગર સહી કરી આપવામાં આવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

એવી જ રીતે રાષ્ટ્રીય ભાજપમાં એક સમય હતો ભાજપની કમાન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન અને મુરલી મનોહર જોષીના હાથમાં હતી. આજે બદલાયેલી સ્થિતિમાં પાર્ટીની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના અઘ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના હાથમાં છે. કેન્દ્રીય નેતાઓમાં રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને નિતીન ગડકરી કે જેઓ મોડરેટ છે તેઓ પાર્ટીના મહત્વના નિર્ણયોમાં ક્યારેક સામેલ હોતા નથી.