સાવરકુંડલા,તા.31
દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી.
છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અતિ રોમાંચક હોય છે. જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરતા હોય છે. યુધ્ધમાં છવાઇ જવા માટે ગામના યુવાનો વિશષ તૈયારીઓ કરતાં હોય છે. આ ઇંગોરીયા યુધ્ધમાં અગ્રેસર રહેવા બદલ ગામમાં આદર પણ મળતો હોય છે.
જોકે આ પરંપરાગત યુધ્ધમાં પણ આ વર્ષે રાજકિય રંગ લાગેલો જોવા મળ્યો હતો. યુધ્ધમાં ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી સાવરકુંડલામાં મોદી ફીવર જોવા મળ્યો છે. રમતવીરો સાથે પૂર્વ કૃષિમંત્રીએ પણ મોદી માસ્ક પહેરી ઇંગોરીયા રમ્યા હતા. મોદી માસ્ક પહેરીને ખેલાયેલા ઇંગોરીયા યુધ્ધનો નજારો કંઇક અલગ જોવા મળ્યો હતો.
સાવરકુંડલામાં રમાતા આ યુદ્ધ માટે યુવાનોની બે ટુકડીઓમાં વહેંચાય છે. આ બંને ટુકડીઓ ઇંગોરીયા યુધ્ધ રમે છે. જેમાં મોટેભાગે સળગતા કાકડા, ફટકડાનો સમાવેશ થાય છે. બીલકુલ નિર્દોષભાવે ખેલાતું યુધ્ધ અત્યંત રોમાંચિત કરનારૂ હોય છે. આ ચુધ્ધ ખેલનારા અને તેને નિહાળનારા બંને માટે રૂવાડા ખડા કરી દેનારૂ યુધ્ધ હોય છે.
સાવરકુંડલામા છેલ્લા સિતેર વર્ષ પહેલાથી ખેલાય છે. વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમાં યુવાનો વહેંચાય જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઇંગોરીયા ફેકી લડાઇ કરતા હતા. આ યુધ્ધ માત્ર સાવરકુંડલામાં જ ખેલાય છે. આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે. આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતું નથી અને રોકેટ જેમ છનનન કરતા આવતા ઇંગોરિયા કે કોકડાનો અવકાશી નજારો નહીં પણ ધરતીનો અદભૂત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.