અમદાવાદ,તા:૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડાયો છે.
10 કોચવાળી આ સીનકાસેન બુલેટની સ્પીડ 350 કિ.મી. સુધીની હશે. પ્રથમ તબક્કામાં 2022 સુધી આ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડતી કરવાનું સરકાર વિચારી રહી છે, જ્યારે 2023 સુધી મુંબઈથી અમદાવાદ સુધી આ ટ્રેન દોડતી કરવાનું આયોજન છે.
બુલેટની ખરીદી માટે સરકાર લોકલ પ્રોડક્શન માટે ટ્રાન્સફર ટેક્નોલોજી અંગે વિચાર કરી રહી છે. જે અંતર્ગત જાપાનની કંપનીઓ ભારતમાં એસેમ્બ્લી યુનિટ સ્થાપવા માટે ભાગ લેશે, જેમાં આપણા ડિઝાઈનર પણ ભાગ લેશે અને ટ્રેનની અન્ય જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપશે. આ પ્રોજેક્ટની જરૂરિયાતરૂપે સરકાર દ્વારા વડોદરામાં 6 અબજ ડોલરના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ પણ કરવામાં આવશે, જે અંગે જાપાન સરકાર સાથે સમજૂતી પણ થઈ છે.
આ ઈન્સ્ટિટ્યૂટમાં જાપાની ટ્રેનર્સ આપણા યુવાનોને ટ્રેનને ચલાવવા, રખરખાવ સહિતના પાઠ ભણાવશે. આશા છે કે 2023 સુધીમાં આ ઈન્સ્ટિટ્યૂટમાંથી 3500 નિપુણ કર્મચારીઓ બહાર આવશે. પ્રધાનમંત્રી મોદી જ્યારે જાપાન ગયા હતા ત્યારે તેમણે આ ટ્રેનની મુસાફરી કરી હતી, ત્યાર બાદ આ પ્રોજેક્ટ તેમનું સપનું બની ગયો હતો.