અનામત સાથે ખેડૂતોના દેવા માફીની માંગથી સરકાર પર ભીંસ વધી, કોંગ્રેસનું સમર્થન 

પાસના કન્વીનર હાર્દિક પટેલે અનામત સાથે દેવા માફીને પણ જોડી દેતા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં કુણી લાગણી જોવા મળી રહી છે. સૌરાટ્રના અનેક ગામોમાં દેવા માફી માટે ખેડૂતો ફરી એક વખત હાર્દિક સાથે જોડાયેલા જોવા મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી હોવાથી વારંવાર દેવા માફીની માંગ ઊઠી છે. ખેડૂતોમાં ભાજપ સરકારે કેનાલમાં પાણી ન આપતા અને પોષણક્ષમ ભાવ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં હાર્દિકના ઉપવાસના બેનર જોવા મળે છે. ગુજરાતમાં ભાજપ સરકારે અનામતમાં પોલીસ દમન કરતાં પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ પછી અલ્પેશ કથીરિયાની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે  જેમાં ધ્રાંગધ્રા અને પાટડીમાં પાટીદારોએ આવેદનપત્ર આપ્યા હતા. આ આવેદનપત્રમાં 144 કલમનો વારંવાર દુરૂપયોગ અટકાવવાની પણ માંગ કરવામાં આવી છે. પાટીદારોની મોટીસંખ્યા ધ્યાને લઈ ગામડાઓમાં ઉપવાસ આંદોલનની તૈયારી શરૂ થઈ છે, ત્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, પાટડી-દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પણ પાટીદારોને સમર્થન આપી રહ્યા છે. આથી આંદોલન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ગરમાવો રહેશે. બીજી તરફ ખેડૂતો  અને પાટીદારોની લાગણી જીતવા કોંગ્રેસ સંગઠન પણ આ આંદોલન પર બાજનજર રાખી રહ્યું છે. વઢવાણ એપીએમસીના ચેરમેન મોહનભાઈ પટેલ સુરેન્દ્રનગરથી કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેઓની કાર રોકી હતી. તેમજ તેઓની સાથે રહેલ ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી.ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, લીંબડી, લખતર, વઢવાણ, હળવદ, ચૂડા અને મૂળી તાલુકામાં ૭૫ જેટલા ગામડાઓમાં કડવા અને લેઉઆ પટેલનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા ત્યારે ફરીવાર સમગ્ર દેશમાં તા. ૨૫ ઓગષ્ટે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના પ્રશ્ને હાર્દિકના ઉપવાસ આંદોલન શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૪ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે.