ગુનેગાર ભાજપના નેતા દીનુ સોલંકીને રૂપાણીએ ગીરના જંગલમાં જમીન આપી, સિંહનું જીવન જોખમમાં મૂકી જંગલમાં ખાણો ખોદશે, ખાણ માફિયાને જમીન આપવામાં કાયદાઓનો ભંગ
CBI અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતાં રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ભાજપના નેતા ડો.મફતભાઈ પટેલની પુત્રી અને ગાંધી આશ્રમમાં ગાંધીજીના મિલકતો પચાવી લેનારા જયેશ પટેલના પત્ની અનાર પટેલનું ગીરમાં જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે રૂપાણી સરકારનું ગીરના જંગલમાં ભાજપના નેતા અને અમિત જેઠના હત્યારા દીનુ સોલંકીને ગીરની જમીન આપી દેવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
સિંહ સામે જોખમ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન ખાણ માટે વિજય રૂપાણીએ આપી દીધી હતી. જે ખરેખર તો 10 કિ.મી. સુધીના વિસ્તારમાં આપી શકાય નહીં. તેમ છતાં જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે ત્યાં શીવ મીનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા માટે જમીન આપીને રૂપાણી સરકારે મોટું કૌભાંડ કર્યું હતું. ઘંટવડમાં જમીન આપીને સિંહ સાથે રમત રમી હતી.
રૂપાણી સરકારે જમીન આપીને તેની મંજૂરી આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ભલામણ પણ કરી હતી.
6 શરતો મૂકી
વન્ય પ્રાણી અને વનસ્પતિને કોઈ અસર ન થવી જોઈએ.
પાણીના કુદરતી વહેણમાં કોઈ ખલેલ ઊભી ન થાય તે જોવું પડશે. બાંધકામ કરી શકશે નહીં,
અભયારણ્ય વિસ્તારમાં પ્રદુષિત પાણી કે પદાર્થ નહીં છોડી શકે.
ખાણની આસપાસ 10 મીટર વૃક્ષો ઊગાડવાના રહેશે.
ખાણ ખોદીને તેમાંથી ચૂનાનો પથ્થર કાઢી લીધા બાદ મૂળ જમીન જેવી સ્થિતી લાવવાની રહેશે.
વન્ય પ્રાણીઓના પુનઃસ્થાપન કરવાનું રહેશે.
કોણ હતું મંજૂરી આપનાર
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી,
વન પ્રધાન ગણપત વસાવા
ધારાસભ્ય બાબુ બોખીરીયા
મુખ્ય સચિવ જે એન સીંગ
મુખ્ય પ્રધાનની કચેરીના અગ્ર સચિવ કે કૈલાશનાથન
રાજીવ ગુપ્તા, વન વિભાગના વધારાના મુખ્ય સચિવ
એમ. કે. દાસ મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ
દિનેશ કુમાર શર્મા, અગ્ર સચિવ, વન વિભાગ
જે. પી. ગુપ્તા, પાણી પુરવઠા વિભાગના સચિવ
મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ, આદીજાતિ વિકાસ વિભાગ
શિવાનંદ ઝા, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ
એસ સી પંત, નિવૃત્ત વન અધિકારી
નીશીત ધારૈયા, પાટણની કોલેજના પ્રોફેસર
પ્રિયાવત ગઢવી, બાયોટેકનોલોજીસ્ટ
ઈકોલોજી કમીશનના અધિકારી, સીઆઈડીના ડાયરેક્ટર જનરલ, જામનગર મરીન નેશનલ પાર્કના અધિકારીનો સમાવેશ થાય છે.
ગુનેગારને સરકારી ખજાનો અપાયો
11 જૂલાઈ 2019માં કોર્ટે દીનુ સોલંકી અને શિવા સોલંકીને આજીવન કારાવાસ ઉપરાંત રૂ.15 લાખનો દંડ ફટકાર્યો છે. RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં થઈ હતી હત્યા. જેમાં દીનુ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
ખાણ માલિક કેમ બન્યા
યુવાન વયમાં સામાન્ય ઝઘડા અને ત્યાર બાદ નાની મોટી ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર દીનુ બોઘા સોલંકીએ રાજકારણમાં પ્રવેશ કર્યો તે સાથે જ તેનો સિતારો બુલંદ થઇ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના ભૂગર્ભમાં વિશાળ ખનિજનો ભંડાર ધરબાયેલો હોવાથી સિમેન્ટ કંપનીઓએ અહીં પોતાના પ્લાન્ટ સ્થાપયા હતા અને જૂનગાઢમાં સૌથી વધુ પ્રાપ્ત લાઇમ સ્ટોન તસ્કરીનો યુગ શરૂ થયો હતો.
રાજકારણનું પ્રથમ પગથીયુ
1992માં કોડીનાર મ્યુનિ.ના પ્રમુખ બન્યા બાદ 2009માં સંસદ સભ્ય બનવા સુધી દીનુ સોલંકીની રાજકીય કારકિર્દી પૂરપાટ ગતિએ ચાલતી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા દીનુ સોલંકી સાસણ ગીરમાંથી ઇમારતી લાકડાની ચોરી અને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમને રાજકીય ટેકો મળતા જ ‘મની-મસલ અને પોલિટિકલ’ પાવરના આધારે એક રાજ્યના નંબર એક માફિયા તરીકે બહાર આવ્યા હતા. તેમની માફિયાગીરી સામે પડવા બદલ જેઠવાની હત્યા કરાઇ હતી. દીનુના સગા ગુજરાત સરકારનાં પ્રધાન હતા. જે રાજ્યપાલ છે.
40 ખાણોના માલિક
થોડા જ વર્ષમાં જૂનાગઢ અને ગીર વિસ્તારની આસપાસ 40 જેટલી લાઇમ સ્ટોનની ખાણો દીનુ બોઘા સોલંકી અને તેના પરિવારજનો દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં, વીજ ચોરી, જગંલના કિંમતી લાકડાની ચોરી અને પાતાળમાંથી ભૂગર્ભ જળ ચોરી સહિતના તમામ ગેરકાયદે ક્ષેત્રોમાં સોલંકી પરિવારનો દબદબો આજે પણ છે.
ખાણના પત્થરના સિમેન્ટ માટે પાણી ચોરી
અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી કનકસિંહ પરમારે સીબીઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું હતુ કે, કોડીનાર તાલુકો ડાર્ક ઝોનમાં આવતો હોવા છતા ઘંટવડ ગામ નજીક સોલંકીના બે વિશાળ ટ્યૂબવેલ હતા, તેમાંથી ભૂગર્ભ જળ ખેંચી લેવા માટે 50 હોર્સ પાવરની બે મોટરો રાખી હતી. તેમાંથી ભૂગર્ભ જળ ખેંચી લઇને અંબુજા સિમેન્ટ કંપનીને સપ્લાય કરવાનું મોટા પાયે રેકેટ ચલાવવામાં આવતુ હતું.
ખાણની પીઆઈએલ બાદ હત્યા
કોડીનારમાં મોટા ભાગના ગેરકાયદે મોબાઇલ ટાવર રાજમોતી નેટવર્કના નામે દીનુ સોલંકી પરિવાર ચલાવે છે. સોલંકી અને તેના ભાઇ ભત્રીજાઓના નામે 12 હથિયારના લાયસન્સ હતા. લાયસન્સની મુદત પૂરી થઇ હોવા છતા કલેક્ટર કે ડીએસપી કચેરીમાં પાછા જમા કરાવાતા ન હતા. જેઠવા પર જીવલેણ હુમલા થયા હતા. અમિત જેઠવાએ કોડીનાર તાલુકામાં છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલી 20થી 25 રહસ્મય મૃત્યુની ઘટનાઓ અંગે કરેલી આરટીઆઇ અરજીઓ અને ત્યાર બાદ સોલંકીના સૌથી મોટા ગેરકાયદે માઇનિંગના મુદ્દે કરેલી પીઆઇએલ તેનો મૃત્યુ ઘંટ બની ગઇ હતી.
પોલીસ થરથરતી
સુભાષ ત્રિવેદી, ટી.એસ. બિસ્ટ અને આર. જે. સવાણી સાથે ત્રણ આઇપીએસ એ સોલંકી વિરૂદ્ધ લેખિત અહેવાલ આપ્યાં છતાંય મોદી, આનંદીબેન અને રૂપાણી સરકાર ખામોશ રહી હતી. પોલીસ અધિકારીઓ પર તેનો ખોફ હતો. સોલંકી વિરુદ્ધ 21 કેસોની તપાસ કરવા માટે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી થઇ હતી. સોલંકીના માણસો પોલીસને પોતાની ફરજ બજાવવામાં રૂકાવટ ઊભી કરી રહ્યાં છે. કોડીનારમાં એક વખત કોમી રમખાણો ફેલાવવા માટે ઉશ્કેરણી કરતા હોવાના પણ આક્ષેપ થયેલા છે. રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, સોલંકી કોડીનાર પોલીસ મથકને પોતાની ખાનગી પેઢી સમજે છે અને જો કોઇ પોલીસ અધિકારી તેની સામે પગલાં લેવાનો પ્રયાસ કરે તો તેની સામે ગંદા આક્ષેપ કરી હેરાન કરે છે.
હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઇ
2009માં અમિત જેઠવા પર કોડીનારમાં જીવલેણ હુમલો થયો હતો. હત્યાના ગુનેગાર શિવા સોલંકી સામે જેઠવાએ ફરિયાદ પણ નોંધાવી હતી. ગીરમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો વિશે જેઠવાએ માહિતી માગી હતી. માહિતી ન મળતા અમિત જેઠવાએ ઉપર સુધી લડાઈ માંડી હતી. જેઠવાની અરજીથી વિજિલન્સની તપાસ થઈ, ખાણમાં સોલંકીને 40 લાખનો દંડ થયો હતો. અંબુજા સિમેંટના બે વહાણોને કંડલા બંદરે સીલ કરાવવામાં જેઠવાની ભૂમિકા હતી. જુનાગઢ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો સાથે સંકળાયેલા જુનાગઢનાં સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેનાં ભત્રીજા શિવા સોલંકીનાં કારનામા બહાર આવ્યા હતા. અમિતે ગેરકાયદે ચાલતી ખાણોની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. 20મી જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઈ હતી. જેમાં 192માંથી 155 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા હતા. (દિલીપ પટેલ, અમદાવાદ)