સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિંમત કરવી મુશ્કેલ જ નહિ પણ નામૂમ કીન બની ગઈ છે. લસણના વેપારીઓનું કહેવું છે કે, હાલમાં બજારમાં જે માલ તે જૂનો માલ છે અને નવો માલ હોળી બાદ આવવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે લસણનો ભાવ સ્વાભાવિક રીતે વધે છે.
માવઠાએ લસણની મઝા બગાડી
તાજેતરમાં રાજ્ય સહિત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદના કારણે ઘણાં પાકોને ભારે નુકસાન થયું છે. આ સંજોગોમાં વિવિધ માર્કેટોમાં આવેલા ગત વર્ષના લસણના માલ પર પણ આ માવઠાંની અસર પડી હોવાનું કહેવાઈ રહ્યું છે. કમોસમી વરસાદના કારણે લસણનો માલને નુકસાન થતાં તેના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. લસણના વેપારી સુરેશ પ્રજાપતિના કહેવા પ્રમાણે દર વર્ષે શિયાળાની સિઝન શરૂ થતાં જ લસણની બજારમાં માંગ ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન થયેલા અતિભારે વરસાદ અને ત્યારબાદ આવેલા વાવાઝોડા અને તેના કારણે પડેલા કમોસમી વરસાદે રાજ્યભરમાં વિવિધ પાકો અને શાકભાજીના પાકને માઠી અસર પહોંચાડી છે. આ તમામની સાથે લસણનો માલ જે ગત હોળી બાદ બજારમાં આવેલો તે માલને પણ વરસાદના કારણે પલળી જવાના કારણે ભારે નુકસાન થયું છે. આ અંગે અમદાવાદ એપીએમસીના સેક્રેટીર દિપક પટેલ કહે છે કે, ગત વર્ષે લસણના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો અને તેના કારણે પહેલાથી જ બજારમાં લસણની અછત હતી અને બજારમાં આવેલા લસણના માલને હાલમાં ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના કારણે પણ નુકસાન થયું હતું. જેના પગલે બજારમાં લસણની જે આવક હતી તેમાં પણ અંદાજે 25થી 35 ટકાનો ઘટાડો થઈ ગયો. અને તેના કારણે આજે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને આ ભાવ વધારો લસણનો નવો જથ્થો બજારમાં નહિ આવે ત્યાં સુધી રહે એવી શક્યતાઓ છે.
લસણના હોલસેલના ભાવ
સામાન્ય રીતે લસણનો ભાવ રિટેઈલ બજારમાં પ્રતિકિલો 120થી 140 રૂપિયા હતો. જે આજે બજારમાં લસણની અછતના કારણે તોતિંગ વધારા સાથે રૂ. 200થી 240ના ભાવે વેચાઈ રહ્યું છે. જૂન પહેલાં લસણનો હોલસેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6000 હતો. જે આજે રૂ. 8થી 14 હજાર સુધી પહોંચી ગયો છે. એટલે કે આજે હોલસેલ બજારમાં લસણ પહેલાં જે રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું તેના બદલે રૂ. 80થી 140 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. અને તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
ડૂંગળીના ભાવ પણ વધ્યાં
રાજ્ય અને દેશમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તો ભાંગી નાંખી છે પણ સાથેસાથે સામાન્ય પ્રજાની કમર પણ તોડી નાંખી છે. સ્થાનિક બજારમાં ડૂંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો રૂ. 100ને પાર પહોંચી જતાં ડૂંગળી કાપ્યા વગર પણ લોકોની આંખમાંથી પાણી નીકળી રહ્યા છે. આ અંગે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે કહ્યું કે, રાજ્યમાં અને દેશમાં થયેલા કમોસમી વરસાદના કારણે ડૂંગળીના 75 ટકા પાકને ભારે નુકસાન થયું છે અને તેના કારણે આજે બજારમાં માત્ર 25 ટકા પાક જ આવ્યો હોવાથી ડૂંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક બજારના ભાવ અંગે તેમણે કહ્યું કે, છૂટક બજારમાં ડૂંગળીના ભાવ આજે પ્રતિ કિલો રૂ. 100ને પાર પહોંચી ગયો છે. તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે ખેડૂતોનો પાક પણ ખરાબ થઈ જતાં તેની હાલત તો સામાન્ય પ્રજા કરતાં વધારે કફોડી બની છે. આ સંજોગોમાં સ્વાભાવિક છે કે ડૂંગળીના ભાવ ન છૂટકે વધારવા પડે છે. તેઓ ઉમેરે છે કે, દેશમાં સૌથી વધુ ડૂંગળીનો પાક નાસિક, કર્ણાટક અને ગુજરાતના ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ આ વર્ષે આ બન્ને વિસ્તારોમાં થયેલા માવઠાને કારણે પાકને નુકસાન થયું છે. ઓક્ટોબરમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયેલા કમોસમી વરસાદના કારણે નવેમ્બર ડિસેમ્બરમાં આવનારો ડૂંગળીનો પાક સંપૂર્ણપણ ખરાબ થઈ ગયો છે. તેમના કહેવા પ્રમાણે હાલમાં ગણ્યાગાંઠ્યા રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડૂંગળી પૂરી પાડી રહ્યા છે. તેના કારણે ડૂંગળીની માંગ પૂરી થઈ શકતી નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડૂંગળીના વધતા ભાવોને કાબુમાં લેવા માટે વિદેશમાંથી આયાત કરવાની શરૂઆત કરી છે. અને તે બજારમાં આવતા હજુ બે-ત્રણ મહિના થઈ જશે ત્યાં સુધી ડૂંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ નહિવત રહેલી છે.