અમદાવાદથી જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી લક્ઝરી બસોમાં રવાના કરાતો મીઠીબરફીનો ટનબંધ જથ્થો

અમદાવાદ,મંગળવાર

લોકોના આરોગ્ય માટે ઝેર સમાન ગણાતી મીઠી બરફી કે મીઠા માવાનું ઉત્પાદન બંધ કરાવી દીધું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દાવો કરતી હોવા છતાંય આજે પણ ગુજરાતમાં મીઠી બરફીનું ઉત્પાદન ચાલુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. અમદાવાદથી દેશના જુદાં જુદાં વિસ્તારમાં જતી ખાનગી લક્ઝરી બસમાં આ મીઠી બરફીનો હોવાનું મનાતો જથ્થો રોજરોજ મોકલવામાં આવતો હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીને જાણ કરવામાં આવી હોવા છતાંય તેમણે તપાસ કરવાની દરકાર શુદ્ધાં કરી નથી.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ મીઠી બરફી બનાવતા 45 એકમોને મીઠી બરફીનું ઉત્પાદન અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેમને માવાની અન્ય બનાવટો તૈયાર કરવાની છૂટ આપવામાં આવી છે. આ છૂટનો ગેરલાભ લઈને ઘણાંએ મીઠી બરફી બનાવવા માંડી હોવાનું અને બ્રાન્ડ નેમ વિનાના પ્લાસ્ટિકના સફેદ કોથળાઓમાં અને સુતરીના થેલાઓમાં ભરીને જુદાં જુદાં વિસ્તારોમાં મોકલવાનું ચાલુ કરી દીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ થેલાઓ પર સામાન્ય રીતે મોકલનાર અને રિસીવ કરનારાઓના નામ લખવામાં આવેલા હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી મોકલવામાં આવી રહેલા આ પ્રકારના થેલાઓ કોણે બનાવ્યા છે અને કોને તેઓ મોકલી રહ્યા છે તેની વિગતો તેમને મળી શકતી જ નથી.

મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ સૂચના બહાર પાડીને દિવાળીમાં મીઠાઈના ગિફ્ટ પેક બનાવીને વેચનારા તમામ કંદોઈને તેમના પેક કરેલા બોક્સ પર મીઠાઈ બનાવવામાં કયા કયા ઘટકો, તેલ, ઘી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બોક્સ પર પ્રીન્ટ કરીને જ છાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવાનું ફૂડ  એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના ડેપ્યુટી કમિશનરની કક્ષાના અધિકારીનું કહેવું છે. મીઠાઈ બનાવનારાઓ જો કોઈ દૂધમાંથી મીઠાઈ બનાવી હોય તો કેટલા દિવસ સુધી ખાઈ શકાશે તેની તારીખવાર વિગતો આપવાની પણ ફરજિયાત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો તેની પ્રોડક્શન ડેટ અને એક્સપાયરી ડેટ લખવાનું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ ખાદ્ય ચીજવસ્તુઓ પર યોગ્ય લેબલ લગાવીને શેલ્ફ લાઈફની વિગતો એટલે કે મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લખવાની ફરજિયાત કરવામાં આવી છે.

છૂટકમાં વજન કરીને એક બે કિલોના પ્રમાણમાં જે મીઠાઈ વેચવામાં આવતી હોય તે મીઠાઈના કન્ટેઈનર પર કે તેની ટ્રે પર બેસ્ટ બિફોર અથવા તો યુઝ્ડ બાય એટલે કે એક્સપાયરી ડેટ લખવાની સૂચના આપવામાં આવી છે. તેમ જ તે મીઠાઈ કે ફરસાણ ખાદ્ય તેલ એટલે કે ઘી કે પછી ડાલડા ઘી(વનસ્પતિ ઘી)માંથી બનાવવામાં આવી છે તેની વિગતો જાહેર કરવી અનિવાર્ય બનાવવામાં આવી છે. ઉપરાંત તેમણે અન્ય કોઈ ફેટનો ઉપયોગ કરીને વસ્તુઓ બનાવી હોય તો તે પણ દુકાનમાં એક બોર્ડ પર લખીને ડિસ્પ્લે કરવાની રહેશે. આ નોટિસ બોર્ડ  જાહેર જનતા જોઈ શકે તેવી જગ્યાએ લગાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ડેરી આધારિત ઉત્પાદનોના સ્રોતનો રેકોર્ડ જાળવવાનું પણ મીઠાઈના ઉત્પાદકો માટે ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઓફ ઇન્ડિયાનું લાઈસન્સ તેમ જ રજિસ્ટ્રેશનની નકલ સહુની નજેરે પડે તે રીતે દુકાનમાં લગાડવી ફરજિયાત કરવામાં આવી છે. હંગામી ધોરણે માંડવા શામિયાણા બાંધીને વેચાણ કરતા વેપારીઓએ રજિસ્ટ્રેશન અવશ્ય કરાવવું પડશે.

ફૂડ એન્ડ  ડ્રગ કમિશનરની કચેરીના સૂચના પત્રમાં મીઠાઈ બનાવવાની જગ્યા સ્વચ્છ રાખવા, સ્વચ્છ જગ્યામાં સંગ્રહ કરવા અને વેચાણ માટેની જગ્યામાં પણ સ્વચ્છતા જાળવવાની સૂચના આપવામાં આવી છે. આ મીઠાઈ બનાવવામાં કોઈપણ પ્રકારના અમાન્ય કલરો, સુગંધિત દ્રવ્યો અને એડિટિવ્સ વાપરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એક જ તેલમાં વારંવાર તળીની ખાદ્ય સામગ્રી તૈયાર કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.