અમદાવાદના પ્રાથમિક શિક્ષકોને કાયઝાલા એપ કાઢી નાંખવા શિક્ષણસંઘનો આદેશ

અમદાવાદ, તા.૨૧

રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે ખાસ કાયઝાલા એપ્લીકેશન ડાઉનલોડ કરવા આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સરકારના આ નિર્ણય સામે શિક્ષક સંઘો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શિક્ષણ સંઘે દરેક શિક્ષકોને એવી સૂચના આપી છે કે, આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હોય તેમણે પણ કાઢી નાંખવી અને તેનો કોઇપણ સંજોગોમાં અમલ કરવો નહી.

રાજયમાં છેલ્લા કેટલાય સમયથી સ્કૂલ અને કોલેજોમાં પણ ઓનલાઇન હાજરીના મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે. પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા માટે દરેક શિક્ષકોને પોતાના મોબાઇલમાં કાયઝાલા એપ્લીકેશન ડાઉનલોડ કરીને તેના મારફતે ઓનલાઇન હાજરી પુરવા આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો જુદા જુદા શિક્ષણસંઘ દ્વાર વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તમામ શિક્ષકો, આચાર્યોને એવી સૂચના આપવામાં આવી છે કે, કોઇપણ શિક્ષકો કે આચાર્યોએ આ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. જે લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમણે પણ તેને કાઢી નાખવાની રહેશે. કોઇપણ સંજોગોમાં સરકારના આ નિર્ણયનુ પાલન કરવાનુ નથી. એસોસીએશનના હોદ્દેદારોએ ‌એ‌વી પણ રજૂઆત કરી છે કે, તમામ શિક્ષકો પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હોય તે જરૂરી નથી. આ ઉપરાંત જો શિક્ષકો પાસે પોતાના મોબાઇલ હોય તો પણ તે સરકારી કામમાં તેનો ઉપયોગ શુ કામ કરે? એકબાજુ સરકાર સ્કૂલમાં મોબાઇલ ફોન લાવવા પ્રતિબંધ મુકી રહી છે. બીજીબાજુ શિક્ષકોને મોબાઇલ ફોન દ્વારા જ ઓનલાઇન હાજરીના આદેશ કરે છે. આ પ્રકારનો વિરોધાભાસ ચાલી શકે નહી. સૌથી પહેલા સરકાર દરેક શિક્ષકોને મોબાઇલ ફોન આપે અને ત્યારબાદ શાળાઓમાં નેટવર્ક મળે તેની જોગવાઇ કરે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.