વર્ષ ર૦ર૦-ર૧ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.૮૯૦૭નું ડ્રાફટ બજેટ રજુ કર્યુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે. ગયા વર્ષે કેપિટલ કામો માટે વાર્ષિક રૂ.બે હજાર કરોડના કામો જ થાય છે. ર૦ર૦-ર૧માં વિકાસના કામો માટે રૂ.પ હજાર કરોડની રકમ ફાળવી છે.
મ્યુનિસિપલ કમિશ્નરે ર૦ર૦-ર૧ માં વિકાસના કામ માટે રૂ.પ૦૧૪ કરોડની ફાળવણી કરી છે તથા એટલી જ રકમના કામો થશે એવા દાવા પણ કર્યા છે. કેપિટલ કામ પેટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રૂ.રપ૦૦ કરોડની ગ્રાંટ મળશે. જ્યારે બાકી રૂ.રપ૦૦ કરોડ ક્યાંથી આવશે ? એ બાબત અધ્યાહાર છે. ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ સુધી વિકાસના જે પણ કામ થયા છે.
આ વર્ષો દરમ્યાન સરેરાશ રૂ. બે હજાર કરોડના કામ થયા હતા. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત દર વરસે રૂ.૬૦૦ કરોડ કરતા વધુ રકમ મળે છે. તદુપરાંત કેન્દ્ર સરકારની યોજનામાં પણ દર વરસે રૂ.રપ૦ થી ૩૦૦ કરોડ મળે છે.
કેન્દ્ અને રાજ્ય સરકારની ગ્રાંટ બાદ પણ કેપિટલ ખર્ચ રૂ.બે હજાર કરોડની આસપાસ રહેતો હોય તો રૂ.પ૦૧૪ કરોડનો ખર્ચ કેવી રીતે થશે? તથા નાણાં ક્યાંથી આવશે. એ યક્ષ પ્રશ્ન છે.
સરકારની ગ્રાંટ પર વિકાસ નિર્ભર છે. ચૂંટણીના વર્ષમાં મતદારોને રીઝવવા અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા છે. જેમાં મોટાભાગના રીપીટ પ્રોજેક્ટ છે. ર૦૦૬-૦૭માં ભાજપાએ વોર્ડદીઠ જીમ્નેશ્યમની જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરે ૧પ વર્ષ બાદ આ જ જાહેરાતને સુધારા સાથે ફરી મૂકી છે. ભાજપ વર્ષોથી વોર્ડ દીઠ સ્નાનાગારના વાયદાઓ કરે છે.
રૂ.૯૬૮ કરોડના ખર્ચથી ર૦ ફલાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. જે પૈકી ૦૭ ફલાયઓવર માટે સરકારે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી છે. જ્યારે ફેઝ-ર માં ૧૩ ફલાયઓવર માટે રૂ.૭૦ૅ૮ કરોડનો ડીપીઆર સરકાર સમક્ષ રજૂ થઈ ચુક્યો છે. રૂ.૧પર કરોડના ખર્ચથી રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસની જાહેરાત કરી છે. આ કામ પણ ઘણા સમય પહેલાં મંજુર થઈ ચુક્યા છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે શહેરને ફાટકમુક્ત કરવા જાહેરાત કરી હતી તેને અહીં ‘કોપી પેસ્ટ’ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરને ‘ખાડામુક્ત’ કરવા કહ્નીયું છે. ર૦૧૭માં રોડ-રસ્તાના ભારે ધોવાણ થયા હતા તે રોડ પણ હજુ પૂર્ણ રીતે રીસરફેસ થયા નથી. ર૦-ર૧ના અંદાજપત્રમાં રૂ.ર૩૯.૮૯ કરોડના ખર્ચથી રરપ કિલોમીટરના નવા રોડ બનાવવા કે રીસરફેસ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ર૦૧૯ના વર્ષ દરમ્યાન ચાર મહિનામાં જ સાબરમતી નદીને શુધ્ધ કરવાની જાહેરાત કરી હતી. તેનો ફિયાસ્કો થયો છે. ર૦ર૦-ર૧માં એેનઆરસીપી અંતર્ગત સાબરમતી શુદ્ધિકરણ માટે રૂ.૪૩પ કરોડ મળશે.
નેશનલ લેઈક પ્રોજેક્ટ અંતર્ગત ૪પ તળાવો માટે ગ્રાંટ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળશે.
૧પમી ઓગષ્ટ ર૦રર સુધી પીરાણા ડમ્પ સાઈટને દુર કરવા ૩૦ જેટલા ટ્રો-મીલ મશીન મુકવામાં આવ્યા છે. જે પાંચ વર્ષ સુધી દૂર કરી શકાય તેમ નથી. રૂ.૪૦ કરોડની જાગવાઈ કરી છે.
ઓક્ટ્રોય અવેજી ગ્રાંટ
ઓક્ટ્રોય અવેજી ગ્રાંટ પેટે રૂ.૧૪૯૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેની સામે દર મહિને રૂ.૮૭.૧પ કરોડ જ મળે છે. વાર્ષિક રૂ.૧૦૪૬ કરોડની ઓક્ટ્રોય અવેજી ગ્રાંટ મળે છે. કમિશ્નરના અંદાજ સામે રૂ.૪૦૦ કરોડની ઘટ પડે છે.