રાજ્યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્યારે ૨૦૬ ટી.પી. સ્કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે સમયસર ફાઈનલ ન થતાં તેની મુદ્દતમાં વારંવાર વધારો કરવો પડે છે. ટી.પી. ફાઈનલ ન થતાં પ્લાન નકશાઓ મંજૂર કરાવ્યા વગર ગેરકાયદેસર બાંધકામો થાય છે તેના કારણે આવા બાંધકામો તોડવા પડે છે ઉપરાંત આવા વિસ્તારોમાં રહેતા નાગરિકોને કોમન સુવિધાઓ જેવી કે, રોડ-રસ્તા, શાળાઓ, બગીચાઓ, લાયબ્રેરી, પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થતી નથી. આથી, અમદાવાદ શહેર શહેર સહિત રાજ્યના અન્ય શહેરોમાં મંજૂર થયેલ ડ્રાફટ ટી.પી. સ્કીમોને સમયમર્યાદામાં ફાઈનલ કરવા માટે સંકલ્પ રજૂ કર્યો હતો.
અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, નગર રચના યોજનાઓ (ટીપી સ્કીમો) સમય મર્યાદામાં ફાઈનલ થાય તેના માટે આજ સભાગૃહે કાયદો ઘડેલ. તે જ કાયદો આજ સભાગૃહે/સરકારે શા માટે ફરીથી બદલીને સમય મર્યાદા કાઢી નાખી ? શું સરકાર જ ટીપી સ્કીમો સમય મર્યાદામાં પુરી કરવા માંગતી નથી ?
ટીપી સ્કીમો સમય મર્યાદામાં ફાઈનલ ન થાય તેના કારણે વિકાસમાં કેટલી બધી અસર થાય છે, તેના કારણો નીચે મુજબ છે :
(૧) બાંધકામ ઉદ્યોગને જરૂરી જમીન મળતી નથી.
(૨) ઉપલબ્ધ જમીન ઓછી થવાથી જમીનોના ભાવ વધે છે અને મકાનોના ભાવ વધે છે.
(૩) ટીપીઓ પાસે ડ્રાફટ ટીપી સ્કીમો પડી રહેવાથી ભ્રષ્ટાચાર ખૂબ જ વધે છે. ટીપી સ્કીમોમાં ફાઈનલ પ્લોટમાં વારંવાર ફેરફાર થાય છે. અધિકારીઓ બદલાઈ જાય અને ટીપી સ્કીમો ડ્રાફટ લેવલે પડી રહેવાથી પ્રપોઝલો વારંવાર બદલાય છે અને ભ્રષ્ટાચાર ખૂબ વધે છે.
(૪) ટીપી સ્કીમો સમય મર્યાદામાં ફાઈનલ ન થાય તેથી ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો થતા નથી. રોડ, બ્રીજ જાહેર હેતુના પ્લોટો બાગ-બગીચા, રીઝર્વેશન પ્લોટો વગેરેનો વિકાસ વર્ષો પછી થાય છે. સરકારને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થાય છે. સરકારને જ રીઝર્વેશનના પ્લોટો વર્ષો મોડા મળે છે. પ્રજાને ઈન્ફ્રાસ્ટ્રકચર વગર જીંદગી નીકળી જાય છે.
(૫) ડ્રાફટ ટી.પી. સ્કીમ બની જાય છે અને ફાઈનલ થવાની કોઈ સમય મર્યાદા નથી એટલે તુટક તુટક રોડ બની જાય છે અને ખરેખર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર બનવા માટે વર્ષોની રાહ જોવી પડે છે.
ખરેખર વિકાસ માટે પ્રજાને વર્ષોની રાહ જોવી પડે છે. ફકત વિકાસનું સપનું દેખાડવામાં આવે છે. પરંતુ ટીપી સ્કીમો ફાઈનલ થયા બાદ જ ખરેખર સાચા વિકાસના કામો થઈ શકે. એ સરકાર સમજીને સમયમર્યાદામાં ટીપી સ્કીમો ફાઈનલ થાય તેવો કાયદો-નિતિ ઘડવી જોઈએ.
વર્ષો સુધી શહેરની ટીપી સ્કીમો ફાઈનલ ન થવાથી જેતે ટીપી સ્કીમોમાં જમીન કે પ્લોટ ધરાવતાં માલિકો અભિપ્રાય લીધા વિના, પ્લાન પાસ થયા વિના અને બિનખેતીની મંજુરી વિના ગેરકાયદેસર બાંધકામો થાય છે, તે ટીપી ફાઈનલ થાય ત્યારે નડતરરૂપ બને છે. ટી.પી. સ્કીમો સમયમર્યાદામાં ફાઈનલ કરવા ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સરકાર સમક્ષ માંગણી કરી હતી.