અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પોતાનાં ઘરે જ સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ કરાશે. અલગ કચરો રખાશે નહીં તો, ઘરનો કચરો ઘરમાં રાખવો પડશે. 3 ડિસેમ્બર પછી જાહેર રોડ ઉપર સુકો-ભીનો કચરો નાખનારા નાગરિક કે વેપારીને દંડ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના 14.5 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુદો પાડે છે. કચરામાં કીચન વેસ્ટનો હિસ્સો લગભગ 45 ટકા છે. શહેરમાં 1100 સ્થળો પરથી કચરો એકત્ર થાય છે.
સુકો અને ભીનો કચરો શહેરીજનો પાસેથી અલગ લેવાશે. 2 ડિસેમ્બરે મ્યુનિસિપલ તંત્ર, એનજીઓ, આશાવર્કર, આંગણવાડીની બહેનો સહિત 40 હજાર લોકો ઘરે ફરીને કે જાહેર સ્થળે જઈને લોકોને સમજાવવાનું અભિયાન હાથ ધરશે. મેયર બિજલ પટેલ તથા કમિશનર વિજય નહેરાએ તેની જવાબદારી લીધી છે. સુકો અને ભીનો કચરો અલગ કરવા માટે અમદાવાદમાં 50 લાખ ડસ્ટબીન દરેક ઘરે 2ના પ્રમાણમાં દરેક શહેરી બાવાના હાથે આપવામાં આવી હતી. જે ચાર વર્ષથી નકામી પડી રહી હતી. હવે તે કામ આવશે.
અમદાવાદમાં નિકળતો કચરો પીરાણા નાંખવામાં આવે છે.
રોજ 3500 ટન કચરો
પીરાણા ડમ્પ સાઈટ 84 હેક્ટરમાં છે. જેમાં 65 હેક્ટરમાં કચરાના પહાડ બની ગયા છે. શહેરનો તમામ કચરો પીરાણા ડંપીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. તેના કારણે પીરાણાનો કચરાનો ડુંગર ભાજપનું શાસન આવ્યું ત્યારથી 30 વર્ષથી 42 મીટર સુધી ઉંચો થતો ગયો છે. જ્યાંથી પ્રદૂષણ અને રોગચાળો ફેલાય છે. રોજ 1000 વાહનો 3500 મેટ્રિક ટન કચરો એકત્ર કરવામાં આવે છે. જેમાં 900 ટન જેટલો કચરો ખાતર વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાઇ રહયો છે. 1,000 ટન ડેબ્રિજ રિસાયકલ કરાય છે. તેમ છતાં 1700 ટન કચરાનો નિકાલ એક પડકાર છે. અમદાવાદ પર ભાજપનું 1988થી શાસન આવ્યું છે ત્યારથી 30 વર્ષથી પીરાણામાં અમદાવાદનો તમામ કરચો ઠલવાય છે. આજે અહીં 1 કરોડ ટનનો મોટો પહાડ થઈ ગયો છે.
તે સમયે અહીં કચરાનો ઢગ હતો પણ 30 વર્ષમાં કોર્પોરેશનની બેદરકારીને કારણે કચરાના 3 પહાડ બની ગયા છે. પહાડનુ વજન આશરે 1 કરોડ ટન છે.
પીરાણા ડમ્પ સાઇટ ઉપર દર મહિને સરેરાશ દોઢ મોટી આગ લાગે છે જેમાં પ્રદૂષણ વધે છે, આગને ઠારવા 150થી 200 ટેન્કર પાણી નાંખવું પડે છે.
અમદાવાદ શહેર 46,416 હેક્ટરમાં ફેલાયેલું છે. AMCએ 84 એકરમાં પીરાણા ડમ્પ સાઇટ ઉભી કરી હતી. હાલ તે 50થી 85 મીટર ઊંચા ત્રણ ડુંગર બની ગયા છે. રોજ 3500 મેટ્રિક ટન કચરો અહીં નંખાય છે. આવું જ ચાલતું રહ્યું તો 2030 સુધીમાં બીજી 100 એકર જમીન કચરો નાંખવા માટે જોઈશે. 2030માં અમદાવાદમાં 5000 મેટ્રિક ટન કચરો નિકળતો હશે.
ડુંગરની પાછળ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે જે પ્રદુષિત પાણી તેની ઓથમાં ઠાલવી દે છે. તેથી આસપાસ રહેતા લોકો માટે જોખમ ઊભું કરે છે.
અમદાવાદની સમસ્યા
પીરાણાની આસપાસના 500 મીટરથી 1 કિલો મિટર સુધીના બહેરામપુરા, પીરાણા, ગ્યાસપુર, ફૈસલ નગર, છીપાકુવા, વાસણાના બે લાખ લોકોને દુર્ગંધ તથા ઝેરી મિથેન ઝેરી ગેસના કારણે રોજ આફત આવે છે. કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રેટ ઓકસાઇડ સહિત 35 જેટલા ઝેરી વાયુઓ હવામાં ભળે છે. અહીં હવાના 30 નમુના ચકાસાયા હતા જેમાં ત્રણ જ હેલ્ધી હતા બીજા નુકસાન કારક હતા. લોકો નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબૂર છે. અહીં રહેતી દરેક વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાય છે અને કમાણીના પૈસા દવામાં ખર્ચી રહી છે. 1 ઘન ફૂટ કચરા પર અંદાજે 70 હજાર માખી હોય છે. આ વિસ્તારના લોકો વારંવાર બીમારીનો ભોગ બને છે, જેમાં વાતાવરણમાં ઝેરી તત્ત્વોના લીધે સૌથી વધુ શ્વાસના રોગ, અસ્થમા, ફેફસાંનાં કેન્સર, ન્યુમોનિયા કે ટી.બી. સહિતના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે અને તેઓ મોતના ઓછાયા હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે. શ્વાસને લગતા રોગને લીધે 40થી વધુ લોકોનાં મોત થયાં છે. સરકારે અહીં તાત્કાલિક હેલ્થ સરવૅ કરાવીને અસરકારક પગલાં હાથ ધરવા જોઈએ.
ઝેરી વાયુનો પહાડ
1 કરોડ ટનમાંથી લગભગ 12 ટકા હિસ્સો એટલે કે 12 લાખ ટન પ્લાસ્ટિક અને સિન્થેટિક કચરાનો છે. અમદાવાદનના પ્રત્યેક લોકો મહિને સરેરાશ 1.2 કિલો પ્લાસ્ટિક વાપરે છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે. દેશમાં પાંચમા નંબરે છે. અમદાવાદનો 16.4 કી.મી.ના કોટ વિસ્તાર ધંધાના કારણે સૌથી વધું પ્લાસ્ટિક ફેંકે છે. અમદાવાદ રોજ 241000 કિલો પ્લાસ્ટિક વાપરે છે. જેમાં પાણીની બોટલ, પાણીના પાઉચ, ઠંડાપીણા, ઝબલા થેલી, મોલનો સામાન, પેકીંગ વધું હોય છે. કચરો બાળવામાં આવે ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિન્થેટિક બળે છે, જે હવામાં ઝેરી ગેસ ફેલાવે છે. શ્વાસમાં આ ઝેરી ગેસ જાય એટલે કેન્સર સહિતની જીવલેણ બીમારી અહીંના લોકોને થઈ રહી છે. પ્લાસ્ટિક ધૂમાડામાં બ્રોમાઈડ તેમજ ક્રુમિયમ, કોપર, કોબાલ્ટ, સેલેનિયમ, લીડ અને કેડિયમ જેવા ખતરનાક પ્રદૂષકો હોય છએ. જેનાથી કેન્સર, કિડની, શ્વાસ, લોહી અને હાર્ટ સહિતની બીમારી થઈ શકે છે.
ભૂગર્ભ જળ ઝેરી બની ગયું
ભૂગર્ભ જળમાં જીવલેણ સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઈડ જેવા હાનિકારક કેમિકલ્સનું પ્રમાણ અનેક ગણું વધારે છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા ભૂગર્ભજળનુ વિશ્લેષણમાં કરાયું તેમાં ભૂગર્ભજળ પ્રદુષણના કારણે બીઆઈએસના તમામ પરિમાણોનો ભંગ થાય છે. ભૂગર્ભજળના 14 સેમ્પલ લીધા હતા બહેરામપુરા, નગ્મા નગર, ફૈઝલ નગર અને છીપાકુવામાં ભૂગર્ભજળમાં સલ્ફેટ, ફોસ્ફેટ અને ક્લોરાઈડનું પ્રમાણ બીઆઈએસના પીવાના પાણીના પરિમાણો કરતા ખૂબ વધારે છે. પાણીની કઠોરતા 10 ગણી વધારે છે. મેગ્નેશિયમ ક્ષારનું પ્રમાણ 30 મીલીગ્રામ પ્રતિ લીટર હોવું જોઈએ પણ આ વિસ્તારમાં 320 મીલીગ્રામ પ્રતિ લીટર છે. કેલ્સિયમ ક્ષારના કારણે પાણીની કઠોરતાનું પ્રમાણ છ ગણું જોવા મળ્યું હતું. ટીડીએસ 7 ગણું જોવા મળ્યું હતું. નાયટ્રેટનું પ્રમાણ 5 ગણું વધું છે.
2002ના તોફાનો બાદ પણ માનવતા નેવે
2002ના ગોધરાના તોફાનોમાં ભોગ બનેલા 150 થીવધું પરિવારોને અહીં સીટીઝન નગરમાં વસાવવામાં આવ્યા હતા. સરખેજથી નારોલ જવા માટે લાખો લોકો વાહનમાં પાંચ મિનિટ માટે પસાર થાય છે તો પણ ગળામાં બળતરા થવાની સાથે માથાનો દુ:ખાવો થાય છે. પાણી પ્રદુષિત થઈ ગયું છે.
નિયમ ભંગ
ડંપીગ સાઇટ અંગે એક નીયમ એવો છે કે સાઇટ પર 10 સેન્ટીમીટર કચરો નાંખ્યા બાદ તેના પર તેટલી નાખી, વરસાદી પાણીના નીકાલ માટે નાળા, ચારેબાજુ વાડ, માણસ અને પશુઓને પ્રવેશ બંધી હોવી જોઈએ પણ AMC દ્વારા કરવામા આવી નથી. આમ સૌનો સાથ સૌનો વિકાસની વાત કરતા તંત્રને ડમ્પીંગ સાઈટની આસપાસ વસતા પછાત પીડિત લોકોનો અવાજ સંભળાતો હોય તેમ લાગતું નથી. સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પણ અમલીકરણ થતું નથી.
વિકલ્પ બંધ
પીરાણા સાઈટ બંધ કરીને વણઝર અને કમોડ ગામની નવી સાઈટ પર કચરો નાંખવાનું નક્કી કરાયું હતું. જેનો વિરોધ થતાં તે પ્રોજેક્ટ બંધ કરાયો છે.
રીસાયકલ 1
ગરીબ લોકો પેટનો ગુજારો કરવા માટે અહીં 11 કલાક સુધી પ્લાસ્ટીકનો કચરો વીણીને મહિનાના રૂ.10 થી 12 હજાર કમાઈ છે. દિવસના રૂ.400-500 કમાઈ છે. જીવલેણ પ્રદૂષણ ધરાવતી આ જગ્યા પર ગરીબોના નાના બાળકો પણ તેમની સાથે આવે છે. પીરાણાના કચરાના ઢગ પર કચરો વિણવા પર પ્રતિબંધ મૂકેલો છે. છતાં સેવા સંસ્થા દ્વારા પ્રમાણિત 60 મહિલાઓને જ અહીં કચરો વીણવાની છૂટ આપી હતી.
રીસાયકલ 2
કચરામાંથી વીજળી બનાવવા 2 કંપની સાથે કરાર થયા છે. કંપનીના પ્લાન્ટ જાન્યુઆરી 2018થી શરૂ થઈ શક્યા નથી. જેમાં 2,000 મેટ્રિક ટન કચરો વપરાવાનો હતો. હાલમાં 3 કંપની દ્વારા રોજ 900 મેટ્રિક ટન કચરમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. રોજ 700 મેટ્રિક ટન ડેબ્રિજ સામે 500 મેટ્રિક ટન ડેબ્રિજમાંથી સ્કિટ ફર્નિચર બને છે. છ કંપનીને જમીન આપવામાં આવી હતી. બીજી કંપનીઓએ કામ ચાલુ ન કરતાં તેમની પાસેથી A TO Z કંપનીને રૂ.50 લાખ પેનલ્ટી કરીને રૃ.1.50 કરોડ ડીપોઝીટ જપ્ત લઈને બ્લેક લિસ્ટ કરાઈને પછી જવા દેવામાં આવી હતી
ગ્રીન કવર પણ ન થયું
પીરાણીને કેપિંગ – માટીથી ઢાંકી – દેવાનો રૂ.374 કરોડનો પ્રોજેકટ બનાવાયો હતો. AMC પાસે પૈસા ન હોવાથી ભાજપ સંમત નથી. કેપિંગ માટે ડમ્પ સાઈટ ઉપરથી પસાર થતી GEBની હાઈટેન્શન લાઇન હટાવવા બે વર્ષ પહેલા રૂ.13.76 કરોડ કંપનીમાં જમા કરાવી દેવાયા છે, જેનું વ્યાજ જતું કરવું પડી રહ્યું છે. AMC દ્વારા આર.ઓ. મંજૂરી અપાતી નથી. 50 – 82 મીટર ઉંચો ડુંગર સમથળ કરીને તેને 3 મિટર કરીને તેના ઉપર માટી નાંખી બગીચો બનાવવાનું 21 વર્ષથી ભાજપના સત્તાધીશો વિચારતા રહ્યાં હતા. પહેલો વિચાર ભાજપના નેતા પ્રફુલ બારોટ અને પ્રહલાદ પટેલનો હતો.
કચરામાં પણ કરપ્શન
જેમાં કેન્દ્ર સરકારની 35 ટકા, રાજ્ય સરકારની 25 ટકા અને અર્બન લોકલ બોડી 40 ટકા આપવાની હતી. 15 વર્ષ સુધીના મેન્ટેનન્સ પેટે રૂ.107 કરોડના ખર્ચનો પણ તેમાં હતો. આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ તરીકે આઇએલએફએસ લિમિટેડની પસંદગી કરાઇ હતી. આરસીસીની કમ્પાઉન્ડ વોલથી આવરી લેવાની હતી. ‘ગ્રીન કવચ’ કરેવાનું હતું. જેમાં રૂ.50 કરોડ મળ્યા હતા. પણ તેમાં ભાજપના ચૂંટણી ફંડ અંગે ભ્રષ્ટાચારની શંકા જતા કંઈ થઈ શક્યું નથી.
ભાજપ સરકારો નિષ્ફળ
2016માં રાજ્યની ભાજપ સરકારે વેસ્ટ ટૂ એનર્જી નીતિ જાહેર કરીને કચરો ડમ્પ કરવાના બદલે તેની પ્રોસેસ કરી વીજળી પેદા કરવા યોજના બનાવી હતી. હજુ સુધી ગુજરાતના એક પણ શહેરમાં વીજળી પેદા થતી હોય એવો એક પણ પ્લાંટ કામ કરતો નથી.
રાજ્યમાં રોજ 35 લાખ ટન કચરો
ગુજરાતની 6.50 કરોડ પ્રજામાંથી 2 કરોડ પ્રજા જ્યાં રહે છે તે સૌથી વધું કચરો પેદા કરે છે. ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 162 પાલિકામાં રોજ 10 હજાર ટન કચરો પેદા થાય છે. જેમાંથી માત્ર 20 ટકા પ્રોસસ થાય છે. રાજ્યભરમાં વર્ષે કચરાના રિસાઇકલ પછી પણ 35 લાખ ટન કચરો ઠલવાય છે. જે માનવ જીવન માટે જોખમી હોવા છતાં ગુજરાતની રૂપાણી સરકાર તેનું રીસાયકલ કરવામાં નિષ્ફળ ગઈ છ. તેથી હવા, પાણી અને ધરતી પ્રદૂષિત થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોનો કચરો ગણવામાં આવતો નથી. ત્યાં પણ ઉકરડાનો પ્રશ્ન છે.
રાષ્ટ્ર વ્યાપી સમસ્યા
દેશમાં કર વર્ષે 6.20 કરોડ ટન કચરો 125 કરોડ લોકો પેદા થાય છે. 1.20 કરોડ ટન કચરો દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ પેદા કરે છે. 60 લાખથી વધુ વસતી ધરાવતા અમદાવાદ શહેરમાં વર્ષે 12.50 લાખ ટન એટલો જ સુરતમાં અને બીજો એટલો બાકીની 6 મહાનગર પાલિકામાં કચરો પેદા થાય છે.
અમેરિકન પ્રતિનિધિ મંડળ
પીરાણા ડમ્પિંગ સાઈટની સમસ્યા ઉકેલવા 15 ડિસેમ્બર 2017ના રોજ અમેરિકન ડેલિગેશનના ડેવિડ મૂ એલિઝાબેથ મિથાની અને ત્રિશાએ સાઈટની મુલાકાત લીધી હતી. સાઈટની મુલાકાત લીધા પછી આ વિસ્તારના લોકોની પણ મુલાકાત લઈને બીમારીઓથી પીડિત લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણી હતી. તેઓ એક અહેવાલ તૈયાર કરવાના હતા. ઉકેલ માટે અહેવાલ તૈયાર કરીને ભારત અને અમેરિકી સરકારને આપવાના હતા. જેમાં અમેરિકા સહયોગ આપવાનું હતું. પણ કંઈ થયું નહીં. સ્વિડન તો વીજળી ઉત્પન્ન કરવા કચરાની આયાત કરે છે, તેને પણ કચરો અમદાવાદ આપતું નથી.
ઝેરી ધુમાડાથી AC બંધ
પીરાણાના કચરામાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે 6 કિ.મી. આસપાસ દર 8-10 મહિને એસીમાંથી ગેસ નિકળવાની સમસ્યા છે. સામાન્ય હવા હોય તો તે 7 વર્ષે ગેસ પુરાવો પડે છે. પાઈપોના વળાંકના સાંધા તોડી નાખે છે એટલે ગેસ લીક થવા લાગે છે. એક વારની આ સમસ્યાનો ખર્ચ અંદાજે રૂા.3500 થી 4000નો થાય છે.
ઊર્જા પુનઃ પ્રાપ્તિ : આ પદ્ધતિ દ્વારા કચરાને બળતણ તરીકે ઉપયોગમાં લઈને કચરામાંથી ઉત્પન્ન થતી ઊર્જાને ઇંધણ રૂપે વાપરી શકાય છે. ટર્બાઇનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે બોઇલરમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
જંગલ બનાવાયું
AMCએ પીરાણા પાસે ગ્યાસપુર ફોરેસ્ટ્રી માટે વર્ષ 2005માં 100 વૃક્ષો ઉગાડીને પ્રોજેક્ટ શરુ થયો હતો અને આજે તે હરિયાળું જંગલ બની ગયું છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય વન્ય જીવો આવીને વસવાટ પણ કરવા લાગ્યા છે. પીરાણા વિસ્તારના આ ‘જંગલમાં’ 110 પ્રકારના પક્ષીઓ જેમાં 40 મોર પણ સામેલ છે તે ઉપરાંત 30 નીલગાય, 10 શેળા, શિયાળ, કેટલાક નોળિયા અને 15 જાતના સાપ પણ જોવા મળ્યા છે.
(દિલીપ પટેલ)