શહેરમાં કથળતી જતી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા મુદ્દે નામદાર ગુજરાત વડી અદાલતે અમપા અને પોલીસ વિભાગને આપેલા આદેશ બાદ ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે.
અમપાએ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે પાંચ મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા જાહેરાત કરી હતી. જે પૈકી પ્રહલાદનગર અને સિંધુભવન રોડ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કીગ માટેના ટેન્ડર મંજૂર થઈ ગયા છે. જયારે સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીમાં ચાંદલોડીયા વિસ્તારમાં મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ચાંદલોડીયા ટી.પી. ૪પ ના ફાઈનલ પ્લોટ ૧૯૬, સીલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે મલ્ટીલેવલ પાર્કીય કમ કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જેના માટે અંદાજે રૂ.૬૦.૮પ કરોડનો ખર્ચ થશે સદ્દર મલ્ટીલેવલ પાર્કીગ માટે ૩૯૬૪ ચો.મી.ના પ્લોટમાં રર હજાર ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.
બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર આઠ માળ રહેશે. મલ્ટીલેવલ પાર્કીગમાં ૭૪૦૦ ચો.મી. કોમર્શીયલ પ્રકારનું બાંધકામ રહેશે. જેમાં નવ દુકાનો અને ૩ર ઓફીસ બનાવવામાં આવશે. પબ્લીક તથા સર્વીસીસ માટે ૧૪૮ર૬ ચો.મી.નું પાર્કીગ બનાવવામાં આવશે. પાર્કીગમાં ૧૩૬ ફોર-વ્હીલર અને ૧૩ર ટુ-વ્હીલર પાર્કી થઈ શકશે. ચાંદલોડીયા ના મલ્ટીલેવલ પાર્કીગ માટે થનાર સંભવિત ખર્ચ રૂ.૬૦.૮પ કરોડમાં સીવીલ વર્ક વોટર ચીસ્ટ ફાયર સીસ્ટમ, એલીવેટર્સ, ઈલેકટ્રીક પાર્કીગ સીસ્ટમ, બોર, લેન્ડ સ્કેપીગ તથા સોલાર સીસ્ટમનો સમાવેશ થાય છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા એક દાયકામાં માત્ર બે મલ્ટીલેવલ પાર્કીગ તૈયાર કર્યા છે. પરંતુ ટ્રાફિક સર્વે કર્યા વિના જ કાંકરીયા અને નવરંગપુરા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ પાર્કીગ વરસો સુધી બંધ પડી રહયા હતા. નવરંગપુરા પાર્કીગને ચલાવવા માટે વેપારીઓ અને નાગરીકોને વિવિધ પ્રલોભનો પણ આપવામાં આવી રહયા છે. કાંકરીયા વિસ્તારમાં પણ માત્ર ગણતરી કરવા માટે જ પાર્કીગ બનાવવામાં આવ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે.