લોકસભા સામાન્ય ચુંટણીમાં અમદાવાદ જિલ્લાના કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે કુલ ૫૬૨૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩,૦૦૦ ઇ.વી.એમ. તથા ૨૬,૦૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરુરી
તાલીમ આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ૧,૨૧,૨૫૧ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૧૦૫ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે તેમજ ૨૧ મતદાન મથકો દિવ્યાંગજન દ્વારા સંચાલિત હશે. જિલ્લાના ૧૬૩૭૫ દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા તથા ૭૧૬ અશક્ત મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ વખતની ફોટો વોટર સ્લીપ પણ ખાસ બનાવવામાં આવી છે જેમાં ફોટોગ્રાફ મોટા કરવામા આવ્યા છે તથા બી.એલ.ઓનો મોબાઇલ નંબર તથા મતદાન મથકનો ગૂગલ મેપ પાછળના ભાગે છાપવામાં આવ્યા છે. મતદાન સંબંધિત જાણકારીની કુલ ૧૯,૫૦,૦૦૦ મતદાતા માર્ગદર્શક પુસ્તિકા મુદ્રિત કરી ૧૨લાખ જેટલી પુસ્તિકાનું બી.એલ.ઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ છે.
જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાના પાલનની વિગતો આપતાં જણાવ્યું કે, સમાધાન, સુવિધા અને સુગમ નામની ત્રણ એપ્લિકેશનો રાખવામાં આવી છે. જેના દ્વારા ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં ૨૪૧ એમ.સી.સી. ટીમ, ૬૩ ફ્લાઈંગ સ્કવોડ, ૬ સ્ટેટિક સર્વેલન્સ ટીમ ૭ આઈકર વિભાગની ટીમ તથા ૮૪ ચેકપોસ્ટ કાર્યરત છે. આ ટીમો દ્વારા કુલ ૫૬ હજાર થી વધારે વાહનોની તપાસ, બે કરોડ ૯૦ લાખ જેટલી રોકડ જપ્તી, ૧ કરોડ ૩૫ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૩૭૮૮ પરવાનાવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા ૬૦૪૯૧ ઈસમોની આગોતરી અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જાહેર સ્થળોએ લગાવેલા ૩૮,૨૫૨ રાજકીય સૂત્ર – જાહેરાતો હટાવવામાં આવ્યા છે. ચુંટણી સંબંધિત ફરિયાદ નિવારણ વ્યવસ્થાના ભાગરૂપે C-Vigil એપ્લીકેશન, NGRS, CPGRAMS તથા PG પોર્ટલ પરથી મળેલ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ૧૯૫૦ હેલ્પલાઇન પર ૯૩૬૬ ફરિયાદો આવી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે.
સી-વિજિલ પર ૬૪૬ ફરિયાદો આવી હતી જેમાંથી ૬૦૧ ફરિયાદો સાચી હતી જેમાંથી ૫૬૮ એટલે કે, ૯૪ ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે કોઇ ફરિયાદ પેન્ડિંગ નથી.
ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે મતદાનના છેલ્લા ૭૨ કલાકમાં વધારાની ૩૦ ફ્લાઇંગ સ્ક્વોડ તથા ૩૦ સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવશે.