અમદાવાદમાં ડેન્ગ્યુના ૮૯૯ કેસની સામે ર૦૧૯ સપ્ટેમ્બરમાં ૧ર૩પ કેસ

અમદાવાદ,તા:૦૪ અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ ભારે વરસાદ અને ત્યારબાદ થઈ રહેલ માવઠા અને ભેજયુક્ત વાતાવરણના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ મેલેરીયા, ઝૈરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાનજક હદે વધી રહ્યા છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા મચ્છરોની ઉત્પત્તિ પર નિયંત્રણ લેવા માટે ડોર ટુ ડોર સર્વેના ત્રણ ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા છે

ડેન્ગ્યુના વોર્ડના આંકડા 

વોર્ડ કેસ

ગોતા  ૧પ૦

પાલડી  ૧૧પ

શાહીબાગ  ૧૪૩

લાંભા  ૯પ

બોડકદેવ  ૧૧ર

પરંતુ પરિણામ શૂન્ય છે. જેના માટે મ્યનુિસિપલ શાસકો અને વહીવટી તંત્રની બેદરકારીને પણ મુખ્ય કારણ માનવામાં આવે રહ્યુ છે. મ્યુનિસિપલ હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહના કારણે આઈ.આર.સ્પ્રે તથા મેલેરીયા વર્કરની ભરતીમાં અસહ્ય વિલંબ થયો હતો.

જ્યારે મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય સતાનો દુરૂપયોગ કરીને અનટ્રેઈન્ડ વોલીયન્ટર્સની ભરતી કરી છે. જેના કારણે પણ પરિણામ મર્યા નથી. મ્યુનિસિપલ મેલેરીયા ખાતા દ્વારા પાછલા વર્ષોની સરખામણીમાં લગભગ બમણો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ડેન્ગ્યુના કેસમાં લેશમાત્ર ઘટાડો થયો નથી.

શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. સામાન્ય રીતે દિવાળી બાદ મચ્છરજન્ય રોગચાળોમાં ઘટાડો જાવા મળે છે. પરંતુ ચાલુ વરસે સિઝનની અનિયમિતતા અને તંત્રની નિષ્કરણના ફળસ્વરૂપ રોગચાળો વધી રહ્યો છે. સપ્ટેમ્બર મહીનામાં ડેન્ગ્યુના ૧ર૩પ કેસ નોંધાયા હતા. જ્યારે ઓક્ટોબરના પ્રથમ ર૦ દિવસમાં જ ડેન્ગ્યુના ૯૧૦ કેસ કન્ફર્મ થયા છે. શહેરના તમામ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો જાવા મળી રહ્યો છે.

પરંતુ ગોતા, પાલડી, શાહીબાગ, લાંભામાં ડેન્ગ્યુએે રીતસર આતંક મચાવ્વયો છે. શહેરના ગોતા વિસ્તારમાં જ ડેન્ગ્યુના સૌથી વધુ ૧પ૦ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે મેયરના મત વિસ્તાર પાલડીમાં ડેન્ગ્યુના ૧૧પ કેસ કન્ફર્મ થયા છે. શાહિબાગ વોર્ડમાં ૧૩૪, નવરંગપુરામાં ૯પ, વસ્ત્રાલ  ૮૬, બોડકદેવમાં ૧૦૯, સરખેજ વોર્ડમાં ૯૩, લાંભામાં ૯૮ તથા મકતમપુરામાં ડેન્ગ્યુના ૯૧ કેસ નોંધાયા છે.

ચાલુ વર્ષ દરમ્યાન ૩૧ ઓક્ટોબર સુધી ડેન્ગ્યુના ત્રણ હજાર જેટલા કેસ કન્ફર્મ થયા છે. દિવાળીની રજાઓમાં તંત્રએ રોગચાળા નિયંત્રણમાં લેવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. જેના પરિણામે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વરસે પણ ડેન્ગ્યુના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.

ર૦૧૮ ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ ૩૧૩પ કેસ નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષ માત્ર દસ મહિનામાં જ ડેન્ગ્યુના કેસનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે. સપ્ટેમ્બર ર૦૧૮માં ડેન્ગ્યુના ૮૯૯ કેસની સામે ર૦૧૯ સપ્ટેમ્બરમાં ૧ર૩પ કેસ નોંધાયા છે.

ગત વરસે ઓક્ટોબર મહિનામાં ૧ર૩૪ કેસની સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના ૧૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કમિશ્નર અને આરોગ્ય ખાતાના ઉચ્ચાધિકારી દ્વારા રોગચાળો નિયંત્રણમાં હોવાના દાવા કરવામાં આવે છે. જે સતત ખોટા સાબિત થઈ રહ્યા છે.

મચ્છર અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવાના નામે મ્યુનિસિપલ કમિશ્નરે એક હજાર વોલિયન્ટર્સની ભરતી કરી છે. જેના માટે રૂ.૪.પ૦ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.  મ્યુનિસિપલ મેલેરીયા વિભાગે કોઈપણ પ્રકારની તાલીમ આપ્યા વિના જ વોલિયન્ટર્સને સર્વે કામગીરી સોંપી છે. જેના કારણે પરિણામ મળતા નથી. તેથી પીવાલાયક પાણીમાં દવા નાંખવી તથા ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયા જેવી દુર્ઘટનાઓ બનતી રહે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પુરતા પ્રમાણમાં ફોગીંગ મશીન ઉપલબ્ધ હોવા છતાં કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ફોગીંગનું ખાનગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે આઈઆર સ્પ્રે માટે ઘર દીઠ રૂ.ર૧ લેબર આપવામાં આવે છે. તથા દવા માટેે રૂ.બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેના ત્રણ રાઉન્ડ પુરા કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જા આ દાવા થોડા ઘણા અંશે પણ ખરા હોય તો રોગચાળો કાબુમાં આવ્યો હોત તેમ માનવામાં આવી રહ્યુ છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોગચાળાના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. તે બાબત પણ અનેક વખત પુરવાર થઈ રહી છે. મ્યુનિસિપલ હોસ્પીટલોના સાચા આંકડા જાહેર થતાં નથી. તથા ખાનગી હોસ્પીટલોના પુરા રીપોર્ટ લેવામાં આવતા નથી. ર૦૧૮માં ડેન્ગ્યુના ૩૧૩પ કેસ પૈકી ખાનગી હોસ્પીટલોમાં માત્ર પ૪૧ કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. જે બાબત માની શકાય તેમ નથી.

ર૦૧૯ના પ્રથમ  દસ મહિનામાં ખાનગી હોસ્પીટલોના ૧ર૬૦ કેસ નોંધાયા હોવાના રીપોર્ટ જાહેર થયા છે. જાણકારોના મંતવ્ય મુજબ છેલ્લા બે મહિનામાં જ ખાનગી હોસ્પીટલોમાં ડેન્ગ્યુના બે હજાર કેસ નોંધાયા છે. ચાલુ વરસે મ્યુનિસિપલ હોસ્પીટલોમાં ડેન્ગ્યુના ૧૮૦૦ કેસ નોંધાયા છે. ર૦૧૯ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જ ડેન્ગ્યુના બે હજાર કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે તેમ છતાં મ્યુનિસિપલ કમિશ્નર અને શાસકો ‘સબ સલામત’ની આલબેલ પોકારી રહ્યા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.