25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિક પટેલને ટેકો આપી ઉપવાસમાં જોડાવા મળે 4 દિવસમાં એક લાખ લોકો આવશે. જેમાં અત્યાર સુધી 2400 જેટલા લોકોએ આમરણાંત ઉપવાસ પર બેસવા માટે હાર્દિક પટેલને ફોન કરીને અથવા રૂબરૂમાં મળીને મંજૂરી માંગી છે. એક દિવસના પ્રતિક ઉપવાસમાં રોજ 5થી 7 હજાર લોકો જોડાવાના છે. તેઓ અનામતની માંગણીને ટેકો આપશે.
જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર સદભાવના ઉપવાસ કરીને સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી હતી તેના કરતાં પણ વધુ સફળતા મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના 10 તાલુકા મથકેથી લોકો આવે એવુ આયોજન તારીખ વાર હાર્દિકના ટેકેદારોએ નક્કી કર્યું છે.
ગુજરાતમાં આજસુધીના ઈતિહાસમાં આમરણાંત આંદોલનને જેટલો ટેકો નહીં મળ્યો હોય તેના કરતાં વધું ટેકો સમગ્ર દેશમાંથી મળશે. ભારતના ઇતિહાસમાં કલકત્તામાં મહાત્મા ગાંધીના આમરણાંત ઉપવાસ સૌથી મોટા ગણવામાં આવે છે, તે રેકર્ડ પણ તૂટશે. દિલ્હીમાં આમ આદમી પક્ષની સરકારના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તરફેણમાં જે રીતે લોક જુવાળ શરૂ થયો હતો એવો જુવાળ ઊભો થશે.
દેશભરમાંથી જુદાજુદા રાજ્યોમાંથી રાજનેતાઓ અને સામાજિક આગેવાનો અને સામાન્ય લોકો હાર્દિક પટેલને ટેકો આપવા આવશે.
અમદાવાદમાં કયા સ્થળે આમરણાંત ઉપવાસ હાર્દિક પટેલ કરશે તે સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
આમરણાંત ઉપવાસ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, મારી સાથે મુંડન કરાવીને રોજ અનેક લોકો જોડાશે. માત્ર ગુજરાત જ નહીં દેશભરમાંથી લોકો જોડાશે. આમ જન આંદોલન બની રહેશે.