અમદાવાદ,તા:૨૨ રાજ્ય સરકારે સ્ટેમ્પના વેચાણના નિયમોમાં સુધારા કરતો નિર્ણય કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવામાં આવશે.
સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના જણાવ્યા મુજબ, ફિઝિકલ અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ 1 ઓક્ટોબરથી બંધ થવાનું છે, જેનાથી લોકોને તેમના વિવિધ દસ્તાવેજ માટે સ્ટેમ્પ મેળવવામાં તકલીફ ન પડે તે માટે અને માહિતી અને જાણકારી મળે તે માટે સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે હાલમાં અમદાવાદમાં કુલ 60 જેટલા ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર તેમજ 169 જેટલી બેન્કમાં ફ્રેન્કિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જ્યાંથી લોકો સ્ટેમ્પની ખરીદી કરી શકે છે. ઉપરાંત ડિજિટલાઈઝેશનના ભાગરૂપે સરકારે ફિઝિકલ નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરી સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેન્કોને પણ ઈ-સ્ટેમ્પિંગ લાઈસન્સ આપવાનું નક્કી કર્યું છે. 1 ઓક્ટોબર પહેલાં ખરીદવામાં આવેલા સ્ટેમ્પ ખરીદ તારીખથી 6 મહિના માટે માન્ય ગણવામાં આવશે, જેથી ફિઝિકલ સ્ટેમ્પ ખરીદનારાને ગભરાવાની કોઈ જરૂર નથી. જો કે સ્ટેમ્પ વેન્ડર્સ અને પોસ્ટ ઓફિસ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી ફિઝિકલ નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ થઈ શકશે.