અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર 

વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલેટનું બાંધકામ કરવામાં આવે છે. ઝીરો વેસ્ટ ડસ્ટ ફ્રી સીટીઝનો કોન્સેપ્ટ સિધ્ધ કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ છે.

અમદાવાદ મેટ્રો રેલની કામગીરી માટે રૂ.૫૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-ર તેમજ સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જે સંદર્ભે સર્વે અને તાંત્રિક અભ્યાસ માટે ચાલુ વર્ષે રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અકસ્માતને લગતી આગની ઘટનાઓને નિવારવા અને ઘટના સ્થળે તુરંત અગ્નિશામક સાધનો અને માનવબળ પહોંચી શકે તે માટે અત્યાધુનિક સાધનો અને માનવબળ ઊભુ કરવા માટે કુલ રૂ.૧૨૯ કરોડની નવી બાબત તરીકે ફાળવણી કરવામાં આવી છે.

અમૃત યોજના હેઠળ ૮ મહાનગરપાલિકા અને ૨૬ નગરપાલિકા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન પૂરી પાડવા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ રૂ.૪૮૮૪ કરોડના ૩૪૪ કામો મંજૂર કરાયા છે. રાજયના ૬ સ્માર્ટ સીટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટસીટી મિશન અંતર્ગત એરીયા બેઝ વિકાસના માટે કામો, એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, CCTV ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે કામો માટે ચાલુ વર્ષે રૂ.૫૯૭ની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ રૂ.૧૨,૩૨૧ કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧.૨૬ લાખ LED લાઇટો રીપ્લેસમેન્ટ દ્વારા લગાડવામાં આવેલી છે. રોકાણકારોને સરળતા રહે તે હેતુથી અરજી, અરજીનું ટ્રેકીંગ, અરજી પરત્વેની ફી ભરપાઈ કરી શકે તથા ડીઝીટલ સીગ્નેચર થયેલ પ્રમાણપત્ર ઓનલાઇન મળી શકે તે પ્રકારની સુવિધા ધરાવતું ઇન્વેસ્ટર ફેસેલીટેશન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. બાંધકામ પરવાનગી અને બાંધકામ વપરાશ પરવાનગી પરત્વે જી.આઇ.એસ. બેઝ્ડ સીસ્ટમ ડેવલપ કરવામાં આવશે. વિવિધ નાં-વાંધા પ્રમાણ પત્ર માટેની બાહ્ય સંસ્થાઓની ઓનલાઇન સીસ્ટમ સાથે ઇન્ટીગ્રેશન કરવામાં આવેલ છે.