- ૧૩,૦૦૦ સેવાકર્મીઓએ સંપર્ક અભિયાન શરુ કર્યુ
- ૩,૨૦૦થી વધુ મૅ઼ડિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત
- તાલુકા મથકોએ હૉસ્પિટલોને સજ્જ કરાઈ
નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫૦ હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વકર્સ દ્વારા આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.
કોરોના વાઇરસ સામે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના ૧૩ હજાર સેવાકર્મીઓ ગ્રામ્ય અને ઔડા વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. ખાસ કરીને, ૦ થી ૫ વર્ષ ના બાળકો અને ૬૦ વર્ષ થી વધુ વય ધરાવતા લોકોનો સંપર્ક કરીને કોરોનાના લક્ષણો છે કે નહિ તે પૂછવામાં આવે છે. કારણ કે આ વયજૂથના લોકો વધુ વલ્નરેબલ(વધુ જોખમ ધરાવતા) હોય છે. જિલ્લાનું વહીવટીતંત્રએ તાલુકાઓમાં પણ આઇસોલેશન વોર્ડ અને ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.
જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર કચેરી અને અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડેટાસેન્ટરમાંથી ફોન કરીને ટેલિફોનિક હેલ્થ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. હાલ મેડિકલ ટીમના ૩૨૦૦ લોકોનો સ્ટાફ ફિલ્ડમાં સતત કાર્યરત છે. વિદેશથી આવેલા લોકોને અલગ તારવી તેમની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે હોસ્પિટલોને આ મહામારી સામે સજ્જ કરી છે. જેમાં ખાનગી હોસ્પિટલ, ઇન્ડિયન મેડિકલ એસોસિઅન અને અમદાવાદ મેડિકલ એસોસિઅન, આયુર્વેદિક એસોસિએશન અને હોમિયોપેથી એસોસિએશનના સહકારથી તાત્કાલિક સારવાર મળી રહે તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.