અમદાવાદ, તા.1
શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રીના મત વિસ્તાર એવા વટવામાં કરિયાણાના વેપારી પર અજાણ્યા શખ્સોએ કોઈ ધારદાર હથિયારથી માથાના પાછળના ભાગમાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની છે. આ બંને ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના નગલા ભગત ગામના વતની અવધેશકુમાર રામકિશન પ્રજાપતિ પોતાની પત્ની, ભાઈ સહિત પરિવાર સાથે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હાટકેશ્વર લાલ બંગલા પાસે નાડિયા વાસ, વર્માજીની ચાલીમાં રહે છે. 31 ઓક્ટોબરે બપોરે બે વાગ્યે અવધેશકુમારની પત્ની ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક જતી રહી હતી, જેથી વટવા ખાતે બચુભાઈના કૂવા પાસે શ્રીરામનગરમાં રહેતા અવધેશકુમારના સસરા બાજીલાલ પ્રજાપતિ, તેમનો સાળો રાજુ બાજીલાલ પ્રજાપતિ, નિર્માણ ઉર્ફે પ્રદીપ બાજીલાલ પ્રજાપતિ અને રાજુનો મિત્ર સાંજે સાડા સાત વાગ્યે અવધેશના ઘરે આવ્યા હતા. આ ચારેયે એકસંપ કરીને અવધેશની સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. જેમ નિર્માણે લાકડાંની જાડી પટ્ટીથી અવધેશકુમારના માથાના પાછળના ભાગે મારીને ઈજા પહોંચાડી હતી. પોતાના ભાઈને બચાવવા માટે અવધેશનો નાનો ભાઈ આદેશકુમાર વચ્ચે પડ્યો હતો, જેથી રાજુએ તેની પાસે રહેલા ચાકુ વડે હુમલો કરીને આદેશના પેટના ભાગે તેમજ અન્ય ભાગો પર ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે અવધેશકુમારનો પિતરાઈ ભાઈ રામુકુમાર પણ વચ્ચે પડતાં તેને પણ રાજુએ ચાકુના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે અવધેશકુમારે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે અંગે અમરાઈવાડી પોલીસના પીઆઈ રણજિતસિંહ ઉદાવતે ગુનોની નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં વટવા વિસ્તારમાં આશાપુરા રેસિડેન્સી ખાતે મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર ધરાવતા દિનેશકુમાર માલારામ ચૌધરી અને તેમની પત્ની મમતા 31 ઓક્ટોબરે રાત્રે પોતાની દુકાને હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમો તેમની દુકાન પર આવ્યા હતા અને દિનેશકુમાર સાથે ઝઘડો કરીને તેના માથાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને દિનેશની પત્નીએ બૂમાબૂમ કરતાં દિનેશના મામાના દીકરા અને તેમના મિત્ર પવનની સાથે દિનેશકુમારની દુકાને દોડી આવ્યા હતા અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાને બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતક દિનેશકુમારના મામાના દીકરા બુદ્ધારામ ચૌધરીએ અજાણ્યા શખ્સો સામે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.