અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ પુર્ણ થશે

અમદાવાદ,તા.૩૧

અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં વસતા એ સમયના નગરશ્રેષ્ઠીઓ દ્વારા સ્થાપના કરાઈ હતી.બાદમાં શહેરના બાળકો વ્યાજબી ફી સાથે અભ્યાસ કરી શકે એ હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.શાળાઓ શરૂ કરાઈ હતી.આ વર્ષે આગામી માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સો વર્ષ પુરા કરી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી શાળાઓમાંથી અમપા સંચાલિત શાળાઓમાં કુલ ૮૦૭૫ બાળકોએ પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો છે.
અમપા નગર પ્રાથમિક શાળા સંચાલન સમિતિના મુખ્ય શાસનાધિકારી લગધીર દેસાઈએ એક વાતચીતમાં કહ્યુ,૧૯થી ૨૯ નવેમ્બર દરમિયાન શહેરના ટાગોરહોલમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે.શ્રેષ્ઠ શિક્ષકો,કર્મચારીઓ અને શાળાનુ સન્માન કરાશે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓને મહાન વિભૂતિઓના નામ સાથે જાડવામાં આવશે.

શહેરમાં આવેલી શાળાઓમાં દર અઠવાડીયે બે શાળામાં કેન્સર નિષ્ણાત તબીબો દ્વારા અવેરનેસ અંગે કાર્યક્રમ આપવામાં આવશે.ઉપરાંત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક-એક સેનેટરી નેપકીનનુ પેકેટ વિનામૂલ્યે વિતરણ કરાશે.શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ પડતો મુકી અમપાની શાળામાં અભ્યાસ માટે આવેલા ૮૦૭૫ જેટલા બાળકોને જાઈ હવે શહેરના નારણપુરા,વાસણા,વટવા,નિકોલ,બાપુનગર,અમરાઈવાડી,વસ્ત્રાલ,અસારવા અને લાંભામાં હાઈટેક શાળાઓ બનાવવા તજવીજ શરૂ કરાઈ છે.૩૭૦૦ જેટલા શિક્ષકોને માય ફેર આઈકાર્ડનુ વિતરણ કરવામા આવશે.૧૨ વર્ષથી નીચેની વયના ૫,૦૦૦ બાળકોને સ્વીમીંગની તાલિમ અપાશે.ધોરણ-આઠમા અભ્યાસ કરતા કુલ ૧૪૫૭૦ બાળકોને હાલ ચેસની તાલિમ અપાઈ રહી છે.