ગાંધીનગર,તા.11
અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરીથી એ જ કંપનીને કામ આપવામાં આવ્યું છે જેની આર્થિક સ્થિતિ સારી નથી.
બાકી નિકળતા રુ. 20 કરોડ ચુકવવાની કંપનીની શરત
આઈએલ& એફએસ ની પેટા કંપની આઈઈસીસીએલ જ્યારે કામ શરૂ કરશે ત્યારે મેટ્રો રેલ કોર્પોરેશન તેને બાકી રહેલા નાણાં 20 કરોડ રૂપિયા પહેલાં ચૂકવશે તેવી કંપનીની શરત છે જો કે કોર્પોરેશને આ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. આ શરત સિવાય કંપનીએ બીજી કોઇ શરત મૂકી નથી.કાઢી મૂકાયા પછી નાદારીના આરે આવેલી આઈએલ& એફએસ કંપનીને આઠ મહિના પછી પાછી લેવામાં આવી છે.
આઈઈસીસીએલ સાથે કરાર કરવામા આવ્યો
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના હાલના ઠેકેદાર જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડને આઈએલ& એફએસ પછી લેવામાં આવી હતી. આ કંપની સાથે પ્રોજેક્ટનું 382 કરોડનું કામ આપવાનો કરાર કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ કોર્પોરેશને 19મી જાન્યુઆરીએ આઈએલ& એફએસ નો કરાર સમાપ્ત કરી દીધો હતો અને હવે આઈએલ& એફએસ ની પેટા કંપની આઈઈસીસીએલ સાથે કરાર કરવામાંઆવ્યો છે. આઈએલ& એફએસની પેટા કંપની આઈઈસીસીએલ એ બોમ્બે સ્ટોક એક્સચેંજને કહ્યું છે કે 15 મહિના પહેલાં જે શરતો હતી તે શરતોને આધિન કંપની હવે અમદાવાદ મેટ્રો રેલનું કામકાજ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરશે. આ સ્ટ્રેચમાં 169 કરોડનું કામ કરવાનું બાકી છે.
અગાઉ મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી માટે આઈઈસીસીએલનો નનૈયો
ડિસેમ્બર 2015માં આઈઈસીસીએલ ને 17.23 કિલોમીટરના નોર્થ સાઉથ કોરિડોર પર શ્રેયસ મેટ્રો સ્ટેઓશન માટે ગ્યાસપુર ડેપો થી ઇન્ટરફેસ પોઇન્ટ સુધીના 4.62 કિલોમીટરના લાંબા એલિવેટેડ સ્ટ્રેચ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018માં આઈએલ& એફએસની પેટા કંપની આઈઈસીસીએલ એ તત્કાલિન એમડી આઇપી ગૌતમનો સંપર્ક કરીને કહ્યું હતું કે તેઓ આ કામ નહીં કરી શકે, ત્યારપછી આ કંપનીને કામગીરીમાંથી મેટ્રો રેલ કોર્પોરેશને હટાવી દીધી હતી.
આ કામગીરી જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ પાસે આવ્યું હતું જેણે મેટ્રો રેલના પહેલા છ કિલોમીટર સુધીનું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું છે પરંતુ વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્કની વચ્ચેથી આગળ વધવાનો તેણે ઇન્કાર કરી દીધો છે. આ કામગીરીમાં કુલ ચાર મેટ્રો સ્ટેશન આવે છે.
યોજના એક વર્ષ પાછળ ગઈ
માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલના છ કિલોમીટરના રૂટનું ઉદ્દધાટન કર્યું હતું ત્યારબાદ એપીએમસી અને શ્રેયસ ક્રોસિંગ વચ્ચેના કામમાં વિટંબણા આવી હતી. આ કામગીરી એપ્રિલ 2019માં પૂર્ણ કરવાની હતી પરંતુ હવે આ યોજના એક વર્ષ પાછળ જતી રહી છે.
મેટ્રો રેલ કોર્પોરેશનમાં એમડી તરીકે આઈપી ગૌતમની જગ્યાએ એસએસ રાઠોડ
મેટ્રો રેલ કોર્પોરેશનમાં એમડી તરીકે કામ કરતા આઇપી ગૌતમની જ્ગ્યાએ સરકારે માર્ગ-મકાન વિભાગના સચિવ એસએસ રાઠોડને મૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રોરેલમાં પહેલાં નિવૃત્ત આઇએએસ ઓફિસર રાજીવ ગુપ્તા એમડી હતા પરંતુ તેમણે 150 કરોડનું કૌભાંડ કર્યા બાદ તેમને હટાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમના પછી આઇપી ગૌતમ આવ્યા હતા પરંતુ તેમના સમયમાં મેટ્રોનો માત્ર છ કિલોમીટરનો રૂટ શરૂ થયો છે. હવે આ જવાબદારી એસએસ રાઠોડના કાર્યક્ષેત્રમાં આવી છે.