અમદાવાદ લાલ બસનું 500 કરોડનું અંદાજપત્ર, 3 હજાર કરોડનું દેવુ

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ – એએમટીએસનું ઈ.સ. ૨૦૨૦-૨૧નું રૂ.૪૯૮.૨૦ કરોડનું અંદાજપત્ર  આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનું આયોજન છે.

એએમટીએસ અને બીઆરટીએસ બંને સંસ્થાઓની મળી કુલ ૯૫૦થી વધુ બસો શહેરમાં ઓપરેશનમાં છે.  ૭૦૦ બસો પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા ગ્રોસ કોસ્ટથી પૂરી પાડવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર વર્ષોથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટ્રાન્પોર્ટ મેનેજર તરીકેની વધારાની જવાબદારી સોંપી કામ ચલાવી રહ્યા છે પરંતુ એએમટીએસ જેવી સેવાકીય સંસ્થાના વડા તરીકે ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ખાલી રહે તે કોઇપણ રીતે ઉચિત જણાતું નથી અને તેના કારણે સંસ્થાના વિભાગોની કામગીરી પર પણ અસર થાય છે.

અમદાવાદ શહેરમાં સને તા.૧-૪-૧૯૪૭થી થયેલી એએમટીએસ એ દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ સેવા છે. રોજના સાડા પાંચ લાખ મુસાફરો હોય છે.  ૧૫૦ ઓપરેશનલ રૂટો સંચાલનમાં છે.

ડેપો ને ટર્મિનસ પર સીસીટીવી કેમેરા

તમામ ડેપો અને બસ ટર્મિનસો પર લાગેલ સીસીટીવી કેમેરા અપગ્રેડ કરવા અને જયાં ના હોય ત્યાં નવા સીસીટીવી કેમેરા લગાવવાનું ઠરાવવામાં આવ્યું છે. આ માટે બજેટમાં રૂ.૩૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

મેમનગર ડેપો, નવરંગપુરા ટર્મિનસ વિકસાવાશે

નવરંગપુરા બસ ટર્મિનસને પણ રૂ.૫૦ લાખના ખર્ચે વિકસાવાશે. ચાંદખેડા દોઢ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ ટર્મિનસ બનાવવામાં આવશે. નિકોલ ભકિત સર્કલ પાસે ટર્રૂમિનલ 50 લાખની ફાળવણી કરાઇ છે.

મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સીસ્ટમ વિભાગની રચના કરાશે

ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ(આઇટીએમએસ) પ્રોજેકટ અન્વયે બસોના રોજીંદા સંચાલન અંગેના અનેક પ્રકારના રિપોર્ટસ નિયમિત રીતે મળતા હોય છે ત્યારે ફલીટ, ટ્રીપ, ઓફ રોડ બસ, ઓવરસ્પીડ, બ્રેક ડાઉન, ટ્રાફિક ઇન્કમ, બસોના ઉપડવાના તથા પહોંચવાના સમયની વિગત તેમ જ અન્ય રિપોર્ટનું એનાલિસીસ કરીને બસોના સંચાલન બાબતે ખૂબ જ મહત્વના નિર્ણય લઇ શકાય તેમ માટે એમઆઇએસ(મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સીસ્ટમ) વિભાગની ત્રણ માસમાં રચના કરવામાં આવશે.

પ્રાઇવેટ ઓપરેટરોની બસોમાં પરફોર્મન્સ રિપોર્ટ દર ત્રણ મહિને કમીટી સમક્ષ મૂકવામાં આવશે, જેથી પારદર્શકતા વધશે. આ સિવાય રાહતભર્યા નિર્ણયમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં તેમ જ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અટીરા, ઇસરો, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ), કોમ્યુનીટી સાયન્સ સેન્ટર(સીએસસી) જેવી સંસ્થાઓના શૈક્ષણિક પ્રવાસ માટે રાહત દરે બસો આપવાનું ઠરાવાયું છે.

ઇ- બસોની ખરીદીમાં AMCને રૂ.262 કરોડનું નુકસાન થયું છે. BRTS કોરિડોરની ક્ષમતા નથી તો બસની ખરીદી કેમ કરવામાં આવી છે. સબસીડી વિનાની 300 ઈ-બસ કોના લાભાર્થે ખરીદવામાં આવી છે. જેવા અનેક સવાલોના પ્રહાર અગાઉ થયા હતા.

ફેબ્રુઆરી 2019થી ૨૦૦ મિની એસી સીએનજી બસ અને ૫૦ મિની એસી ઇલેક્ટ્રિક બસ ખરીદવા કરવાની હતી. ૨૫૦ એસી સીએનજી અને ઇલેક્ટ્રિક બસ રોડ પર ઉતારવાનો લક્ષ્યાંક હતો. બસની ખોટની ભરપાઇ રાજ્ય સરકાર દ્વારા કરાશે.

AMTSની રોજની ૨૮ લાખની આવક અને એક કરોડની ખોટ જાય છે.

૩૧ ડિસેમ્બર ૨૦૧૮માં રૂ.૨૬૯૧ કરોડનું દેવું હતું.

૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રૂ.૪૮૮.૦૮ કરોડનું હતું. માલિકીની ૧૩૫ બસ પૈકી, રોડ પર ૯૫ બસ દોડતી હોઈ પ્રાઈવેટ ઓપરેટરોની ૬૦૬ બસ હતી.

૨૦૦૧-૦૨માં ખાનગી બસ ન હતી. ખાનગી બસ આવતાં કફોડી સ્થિતિ ઊભી થઈ છે. પ્રાઇવેટ ઓપરેટરોને બસ ચલાવવા રૂ.૧૬૦ કરોડ ચૂકવાઇ રહ્યા છે. તેમ છતાં આવક ખાસ થતી નથી.

રૂ. ૩૫૦ કરોડથી વધુ લોન મ્યુનિસિપલ તંત્ર દ્વારા એએમટીએસને અપાઈ રહી છે.

વર્ષ ૨૦૧૪-૧૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં જ અમપા દ્વારા દ્વારા એએમટીએસને કુલ રૂ. ૧૩૯૭.૬૫ કરોડની લોન અપાઈ હતી.