અમદાવાદ,તા.૭
ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.
અમદાવાદ શહેરની હદમાં વર્ષ-૨૦૦૭-૦૮માં ૧૦ જેટલી નગરપાલિકા અને ૩૧ જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો હતો.એ અગાઉ અમદાવાદ શહેર ૧૯૨ ચોરસ કીલોમીટર વિસ્તારમાં પથરાયેલુ હતુ.અમપામાંએ સમયે ૧૨૯ કોર્પોરેટર હતા.વર્ષ-૨૦૦૭-૦૮ માં નવા વિસ્તારો ઉમેરાયા બાદ વોર્ડની સંખ્યા ૪૮ થઈ છે અને કોર્પોરેટરોની સંખ્યા ૧૯૨ છે.
અમપા સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,આગામી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદની હદમાં બોપલ,ઘુમા,શેલા,અસલાલી અને નાના ચિલોડાના વિસ્તારનો સમાવેશ થઈ જાય તેવી પ્રબળ સંભાવના છે.જો આમ થાય તો હાલના ૪૮ વોર્ડમાં બીજા પાંચ વોર્ડ નવા વધે.ચાર કોર્પોરેટરના હાલના માળખામાં કોઈ ફેરફાર થાય એવી સંભાવના હાલ ન હોવાનુ સૂત્રોનુ કહેવુ છે.વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરો પણ વધે તો હાલના ૧૯૨ ઉપરાંત બીજા વીસ કોર્પોરેટર મળી કુલ કોર્પોરેટરોની સંખ્યા ૨૧૨ થશે.કોર્પોરેટરોની સંખ્યા વધશે તો પણ ગાંધી હોલ કે જયાં હાલ અમપાની સામાન્ય બેઠક મળે છે એમા કોઈ ફેરફાર કરવો નહીં પડે.કેમકે ગાંધી હોલમાં ૨૨૦ જેટલા કોર્પોરેટરો બેસી શકે એવી ક્ષમતા છે.આમ નવા ચૂંટાઈને આવનારા તમામ કોર્પોરેટરો હાલના દાણાપીઠના મુખ્ય બિલ્ડીંગમાં બેસી કામકાજ કરી શકશે.અમદાવાદ શહેરનુ હાલનુ કુલ ક્ષેત્રફળ ૪૭૭ ચોરસ કીલોમીટર છે એમાં વધુ સો કીલોમીટરનો વધારો થવાની સંભાવના છે.
મુંબઈની પેટર્ન સ્વીકારાય એવી સંભાવના નહીંવત..
મુંબઈમાં જેમ વોર્ડ દીઠ એક કોર્પોરેટર છે અને બૃહદ મુંબઈ અને મુંબઈ એમ બે અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પેટર્નનો હાલની પરિÂસ્થતિમાં સ્વીકાર થવાની સંભાવના નહીવત હોવાનુ અમપા સૂત્રોનુ કહેવુ છે.