અમદાવાદ, તા.૦૪
અમદાવાદ મહાનગર પાલિકાના તંત્રમાં કયાં-શું ચાલી રહ્યુ છે, એનાથી ખુદ શાસક પક્ષને પણ તંત્ર દ્વારા અંધારામાં રાખવામાં આવી રહ્યુ છે. આ વર્ષનું ચોમાસુ પુરુ થવાની તૈયારીમાં છે. એવા સમયે હેલ્થ વિભાગ દ્વારા સો જેટલા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી શરૂ કરી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગ માટે ડીઝલ ઓપરેટેડ ફોગીંગ મશીનને બદલે પાણીથી ઓપરેટ થઈ શકે એવા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી આરંભી છે. શહેરમાં આવનારા દિવસોમાં ૧૦૦ પોર્ટેબલ ફોગીંગ મશીન કે જે હાથથી ઉપયોગમાં લઈ શકાશે અને છ વાહન ઉપર મુકીને ઉપયોગમાં લઈ શકાય એવા વ્હીકલ માઉન્ટ ફોગીંગ મશીન લેવા કવાયત શરૂ કરાઈ છે. મુળ આ વિચાર બે વર્ષ પહેલા વર્ષ-૨૦૧૭માં કરાયો હતો.
પરંતુ અમલ હવે આ વર્ષથી કરવાનુ નકકી કરવામાં આવ્યુ છે. એક દલીલ એવી પણ હતી કે, ડીઝલ ઓપરેટેડ ફોગીંગ મશીનના ઉપયોગથી હવામાં પ્રદુષણ વધુ ફેલાય છે, એના બદલે પાણીમાં મચ્છરોને મારવા માટેના ઓઈલને મિશ્રિત કરીને છાંટવાથી પ્રદુષણ નિયંત્રણમાં રહેશે. મળતી માહીતી મુજબ, પોર્ટેબલ ફોગીંગ મશીન મશીન દીઠ રૂ.૩૨,૦૦૦ અને વ્હીકલ માઉન્ટ ફોગીંગ મશીન રૂપિયા ૨૬ લાખના ખર્ચે ખરીદાશે. આ અંગે પુછતા મેડીકલ ઓફીસર ભાવિન સોલંકીનુ કહેવુ છે, સ્ટેન્ડીંગ કમિટી મંજુરી આપશે કે, તરત જ આ મશીનોની ખરીદી અને તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.