અમદાવાદ, તા.૧૧
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપીઠ વિસ્તારમાં મુખ્ય કચેરી આવેલી છે. આ કચેરીમાં જ શહેરના પ્રથમ નાગરિક એવાં બીજલ રૂપેશભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સહિતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાની કચેરીમાં બેસીને ફરજ બજાવે છે. વડાપ્રધાને અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને શારીરિક રીતે ચુસ્ત રહેવા આપેલી સલાહ બાદ મ્યુનિસિપલ કમિશનર જ્યાં બેસે છે ત્યાંથી નજીકમાં આવેલા એક રૂમમાં બે દિવસ પહેલાં બે ટ્રેડમિલ, બે સાઈકલ સાથે વૂડન પાર્ટિશન કરી વર્ગ-એક અને વર્ગ-બેના અધિકારીઓ ફિઝિકલી ફિટ રહે એ હેતુથી જિમ શરૂ કરાયું હતું.
આ બાબતની જાણ શહેરનાં મેયર બીજલબહેન પટેલને થતાં તેમણે તાત્કાલિક અસરથી આ જિમ બંધ કરવા આદેશ આપતાં તંત્રના અધિકારીઓમાં સોપો પડી ગયો છે.