[:gj]દિવાળીના વેકેશન પછી આજથી સચિવાલયમાં ધમધમાટ શરૂ થશે[:]

[:gj]ગાંધીનગર,તા.03

દિવાળીના લાંબા વેકેશન પછી આવતીકાલ 4થી નવેમ્બરથી સચિવાલયમાં વહીવટી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના મોટાભાગના કર્મચારીઓ રવિવારે રજા પરથી પાછા આવી ગયા છે. આટલા દિવસ સુધી સચિવાલય સૂમસામ ભાસતું હતું. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની તેમજ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પાંખી હાજરી પછી સોમવારે સચિવાલય ભરચક બની રહેશે, જો કે હજી બે દિવસ સુધી નવા વર્ષની શુભેચ્છાની આપલે કરાશે.

રાજ્યના કર્મચારીઓનું દિવાળી વેકેશન 26મી ઓક્ટોબર ને શનિવારથી શરૂ થયું હતું. 30મી ઓક્ટોબરે સરકારી ઓફિસો ચાલુ હતી પરંતુ કર્મચારી યુનિયનોની માગણીને વશ થઇને સરકારે 30મીએ રજા જાહેર કરી હતી જેની સામે નવેમ્બરની 9મી તારીખ ને શનિવારે રજા હતી તે રદ કરી હતી. રાજ્યના કર્મચારીઓને 26 થી 31મી ઓક્ટોબર સુધી વેકેશન મળી ચૂક્યું હતું પરંતુ નવેમ્બરમાં શુક્રવાર અને શનિવાર એટલે કે 1 લી અને બીજી નવેમ્બરે મોટાભાગના કર્મચારીઓને રજા લીધી હોવાથી વેકેશનનો ગાળો 3જી નવેમ્બર સુધી લંબાયો હતો.

એટલે કે સરકારી કર્મચારીઓને સળંગ નવ દિવસનું વેકેશન મળ્યું છે. હવે દિવાળીની રજાઓ પૂર્ણ થઇ છે અને સોમવારથી સચિવાલય ફરીથી ચાલુ થઇ રહ્યું છે ત્યારે રજા પરથી પાછા આવેલા કર્મચારી રાબેતામુજબ તેમની કામગીરી શરૂ કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4થી નવેમ્બરે મિડીયા અને કેબિનેટ મંત્રીઓ સાથે સોમવારે ઉઘડતા દિવસે લંચ રાખ્યું છે. આ લંચ પછી સચિવાલયમાં મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ કામ પર લાગી જશે.

કર્મચારી મંડળોના આગેવાનોએ કહ્યું હતું કે રાજ્યના સરકારી કર્મચારીઓએ આ વખતે ટૂંકાપ્રવાસો સાથે ફોરેન ટુરનું પણ આયોજન કર્યું હતું. નજીકના દેશોમાં પણ કેટલાક કર્મચારી પરિવારો ગયા છે. ગુજરાતમાં સાસણ ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, માંડવી બીચ, રાજ્યના પવિત્ર યાત્રાધામ સ્થળો સહિત અભ્યારણ્યોની ટૂર ગોઠવવામાં આવી હતી. કેટલાક પરિવારો નેપાળ અને ભૂતાન જેવા નાના દેશોમાં ફરીને આવ્યા છે.

 [:]