અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ

અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે.

વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંકુલમાં દિવસ દરમિયાન એજન્ટ્સ પડ્યા પાથર્યા રહે છે, જેઓ લોન અપાવવાના બહાને સફાઈ કામદારોનું આર્થિક શોષણ કરી રહ્યા છે. પૂર્વ મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે આ એજન્ટ્સને મ્યુનિ. સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે તેમના ગયા બાદ એજન્ટ્સ દ્વારા શોષણનું વિષચક્ર ફરી શરૂ થઈ ગયું છે. સફાઈ કર્મચારીઓની ફરિયાદ મુજબ કોર્પોરેશનના અધિકારીઓની પણ આ કૌભાંડમાં મિલીભગત જણાઈ રહી છે. જો કે હાલમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરા અને મેયર બીજલ પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ એજન્ટ્સ સાથે મળી કામ કરનારા એકાઉન્ટ વિભાગના સ્ટાફ સામે કોઈ કાર્યવાહી ન કરતા હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સફાઈ કર્મચારીઓની ફરિયાદ મુજબ એક લાખની લોન પાસ થવા છતાં સફાઈ કર્મચારીના હાથમાં માત્ર 40 હજાર રૂપિયા જેટલી જ રકમ આવે છે. સફાઈ કર્મચારીઓની ગરજ અને અશિક્ષિત હોવાનો લાભ એજન્ટ્સ અને એકાઉન્ટ વિભાગનો સ્ટાફ ઉઠાવી રહ્યા હોવાની બૂમ ઊઠી રહી છે. એજન્ટ્સ દ્વારા સફાઈ કામદારો પાસેથી લોનના બહાને તેમની પાસબુક, પાનકાર્ડ, ડેબિટ કાર્ડ સહિતના મહત્ત્વના દસ્તાવેજ પોતાની પાસે રાખી લે છે, જેના આધારે પાસ થયેલી રકમમાંથી મોટી રકમ તેઓ જ પડાવી લે છે. નોકરીનું જોખમ જોતાં સફાઈ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, લોન પેપર પર સહી કરવાની પણ રકમ વસૂલ કરવામાં આવે છે. લોન પાસ થતાં એજન્ટ પડાવી લીધેલા ડેબિટ કાર્ડ દ્વારા રૂ.20 હજાર સહી કરવાના અને 20 હજાર પોતાના પડાવી લે છે, જ્યારે બાકીના 60 હજાર રૂપિયામાંથી અગાઉની લોનની બાકી રકમની કપાત પેટે 20 હજારની રકમ સીધી ક્રેડિટ સોસાયટીના ખાતામાં જમા થઈ જાય છે.

લોન લીધા બાદ કામદાર દ્વારા જ્યારે પગારની સ્લીપમાં કપાત આવતાં પૂછે ત્યારે જણાય છે કે, તેના નામે લોન ખતવાઈ પણ ગઈ અને હપતો પણ કપાઈ ગયો. સુપ્રીમ કોર્ટ દ્વારા સફાઈ કામદાર અને ચોથા વર્ગના કર્મચારીઓને આપવામાં આવતી લોનમાં 4500 રૂપિયાથી વધુ કપાત ન કરવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં વધુ રકમની કપાત કરાતી હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અમપા સંકુલમાં એજન્ટો સવારથી લઈ મોડી સાંજ સુધી કમ્પાઉન્ડમાં અને એકાઉન્ટ ઓફિસ આસપાસ જ અડ્ડા જમાવીને બેઠેલા હોય છે. પૂર્વ મ્યુનિ. કમિશનર મૂકેશકુમાર જેવી હિંમત વિજય નેહરા કરી બતાવે એવી સફાઈ કામદારોની લાગણી અને માગણી છે.