અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાની માહિતી RTOના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે કાર ઘરે હાજર ન હતી. આ કારણે RTOના અધિકારીઓએ કારમાં લાગેલા કાળા કાચ અને નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું સાંસદનું બોર્ડ દૂર કરવા માટે લેખિતમાં સૂચના આપી હતી. આ ઉપરાંત આ સમગ્ર વાતની જાણ RTOના અધિકારીએ અમરેલી જિલ્લા કલેકટરને પત્ર લખીને કરી હતી.
અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતુ કે, સાંસદની ગાડીમાં સાંસદ લખેલું બોર્ડ ન હોય તો બીજા કોનું બોર્ડ હોય અને આ બોર્ડ છેલ્લા 10 વર્ષથી ત્યાં જ લાગેલું છે અને ત્યાં જ લાગેલું રહેશે. સાંસદ ગાડીનું ચેકિંગ કર્યા પછી તેનું પંચનામું સાંસદના પુત્રની હાજરીમાં જ કરવામાં કરવામાં આવ્યું હતુ.
સામાન્ય લોકો પોતાની ગાડીમાં કાળા કાચ લગાડીને ફરતો હોય તો RTO અધિકારી તેની ગાડીને પકડે છે અને જગ્યા પર જ વાહનના માલિક પાસેથી દંડની વસૂલાત કરે છે પરંતુ ધારાસભ્યો અથવા તો સાંસદ પોતાની કારમાં કાળા કાચ લગાડીને ફરે તો RTO અધિકારી તેના ઘરે જઈ તેમને નોટિસ પાઠવે છે અને સાંસદ અથવા તો ધારાસભ્ય પોતાના પાવરથી અધિકારીઓને ધમકાવે છે, આવું જ કંઈ બન્યું છે.

કાછડીયાના અગાઉના વિવાદો પણ એટલાં જ ચર્ચાસ્પદ રહ્યાં છે. ભાજપના નેતાઓની મંજૂરી વગર આ રીતે તેમના સાંસદ સામે કોઈ અધિકારી કાર્યવાહી કરે નહીં આવું ભાજપના કાર્યકરો કહી રહ્યાં છે.
પુત્રએ ધમકી આપી, પિતાએ બચાવ્યા
BJPના અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ અને કમલેશ કોન્ટ્રાક્ટરના ટાંટિયા ભાંગી નાખવા વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. પિતા સાંસદ હોવાથી તેમનો બચાવ થઈ રહ્યો છે. આટઆટલો વિરોધ થઈ રહ્યો હોવા છતા પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.
સાંસદે આભાર માન્યો અને બધી બેઠકો ગઈ
11 ડિસેમ્બર 2017ના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને અમરેલીના સાંસદ કાછડીયાએ અમરેલી સંસદીય મત વિસ્તારની સાતેય વિધાનસભાની બેઠકો ઉપર મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે, અમરેલી સંસદીય મત વિસ્તારની અમરેલી કુંકાવાવ, ધારી બગસરા ખાંભા, સાવરકુંડલા લીલીયા, લાઠી બાબરા, રાજુલા જાફરાબાદ, મહુવા અને ગારીયાધાર જેસર એમ સાતેય વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે પણ ભાજપ અમરેલીની તમામ બેઠક હારી ગયું હતું ત્યારે લોકો કહેતા હતા તે અમરેલી ભાજપ મુક્ત થઈ ગયું છે, હવે કાછડિયાને ભાજપ મુક્ત કરો. આવું જ 11 તાલુકા પંચાયતો પણ ભાજપે ગુમાવવી પડી હતી. આમ તેઓ જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી ભાજપની પડતી થઈ છે.
ઓડિયો વિવાદ
ખેડૂતના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ, અનામત મુદ્દે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા અને નરેશ વિરાણી (ખેડૂત સમાજ)ની વાતચીતનો ઓડિયો સમગ્ર અમરેલીમાં વાયરલ થયો હતો. જ્યારે સાંસદ ગામમાં આવવાના હોય ત્યારે લોકો તે ઓડિયો સાંભળે છે, જેમાં નારણ કાછડીયાએ જવાબ આપ્યો હતો કે, હાર્દિક પટેલ અને અનામત માટે તમે મહેનત કરો એમાં અમારે કંઈ કરવાનું નથી. ખેડૂતોના દેવા માફી, અનામતના મુદ્દે અને અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે તમે શું કરવા માગો છો. આટલું બોલતા જ નારણભાઈ બોલી ઉઠ્યા હતા કે, તમે મહેનત કરો અમારે કંઈ નથી કરવાનું.
દેશ દ્રોહી પ્રવૃત્તિ, પછી મૌન બની ગયા
અમરેલીના પીપાવાવ બંદર અને કસ્ટમ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે, પારાવાર ગેરરીતિ થાય છે, એવો આરોપ સાંસદે મૂક્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના DRI દ્વારા દરોડો પાડ્યા બાદ તેમાં બહુ મોટી લેવડદેવડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. પીપાવાવ બંદરમાં કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડિયાને પણ નહીં. આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. થોડા સમય પહેલા ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા. દેશના ખતરાની ઘંટી વાગી હતી પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે. જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનાની 4 વ્યક્તિ કોણ હતી અને તે કોના દ્વારા પીપાવાવ બંદર સુધી આવી હતી, તેનો જવાબ માંગ્યો હતો. પણ આજ સુધી સાંસદે તે જાહેર કર્યો નથી. પીપાવાવ બંદર ગૌચરની જમીનમાં દબાણ કરી ભાડાની મોટી રકમ પણ વસૂલ કરે છે, એવો આક્ષેપ પણ કર્યો હતો.
ઊભી પૂંછડીયે કાછડીયા ભાગ્યા
અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજનાની ગેસકીટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયાએ પોતાની વાહવાહ ભાષણમાં શરૂ કરતા ગરીબ મહિલાઓએ ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો. મહિલાઓએ ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા ભાજપના આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી ઊભી પૂંછડીએ જતા રહેવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે આજે ગામના લોકો જુએ છે અને મોજમસ્તી કરે છે. પોલીસે શાંત પાડવાની કોશિશ કરી પણ લોકો શાંત થયા ન હતા. કાછડીયાએ એવું જુઠાણું ફેલાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી પણ વીડિયો તો તેમના જૂઠનો પર્દાફાશ કરે છે.
તબિબને મારા માર્યો
એક દર્દીએ સાંસદ નારણભાઈ કાછડીયાને ફોન કર્યો હતો. જેથી તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા જ્યાં નારણ કાછડિયા અને ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. કાછડિયા સાથે આવેલા શખ્સોએ ડૉક્ટરને માર મારતા હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો હતો. ડૉક્ટરે કાછડિયા સહિત 15 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નીચલી અદાલતે નારણ કાછડીયાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
ભાગવું પડ્યું
સાવરકુંડલાના અમૃતવેલ ગામે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને હાલના જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ કાનાણી, અમરેલી જિલ્લાના ભાજપના સાંસદ નારણ કાછડિયા ગૃપ મીટિંગ માટે ગયા હતા. પરંતુ અચાનક મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થતા સાંસદ તો નીકળી ગયા હતા. પરંતુ કમલેશ કાનાણીને લગભગ એક કલાક સુધી લોકોએ ગોંધી રાખ્યો હતો.

English



You must be logged in to post a comment.