પ્રશાંત પંડીત,તા.20
પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય..
લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે..
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવેકાનંદનગર પાસે ખારી નદી કોઝ-વેની ઝાડીમાં ખુદ અમપાના ઈજનેર વિભાગ દ્વારા જ બેક મારતી ગટરોની નિષ્ફળતા છુપાવવા માટે ચેમ્બર નીચે હોલ પાડી સ્મશાન અને ગટરનુ ગંદુ પાણી ખારી નદીમાં ઠાલવીને નદીને પ્રદૂષિત કરાતી હોવાનો ગંભીર આક્ષેપ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને લેખિત રજૂઆતમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરાતા ખળભળાટ મચી ગયો છે.
ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા રજૂઆતથી ખળભળાટ..
આ અંગે રામોલ-હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલનુ કહેવુ છે કે,ખુદ અમપાના ઈજનેરો દ્વારા જ ઉભરાતી ગટરો અને બેક મારતા ગટરના ગંદા પાણીની ફરીયાદોને હલ કરવામાં મળતી નિષ્ફળતાને છુપાવવા ઝાડીમાં ચેમ્બર નીચે હોલ પાડીને ગટરનુ ગંદુ પાણી વહેવડાવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને લેખિતમાં રજૂઆત..
અમપા ઈજનેર વિભાગ દ્વારા આ પ્રમાણે કરાતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા મેં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને પત્ર લખીને રજૂઆત કરી છે.કમિશનરને એવી પણ રજૂઆત કરી છે કે,વિવેકાનંદનગર ડ્રેનેજ પંપીંગમાં હાથીજણ અને ગેરતપુર તરફની ડ્રેનેજલાઈનમાં લાખ્ખો રૂપિયાના ખર્ચ પછી પણ ગટરના લેવલ નથી મળતા એ કેટલી શરમજનક બાબત અમપાના શાસકો અને ઈજનેરો માટે કહેવાય.
ભ્રષ્ટ અધિકારીઓને કારણે નાગરિકો જીવે છે નર્કાગારમાં ..
અમપાના જ લાખ્ખો રૂપિયાના પગારદાર એવા ઈજનેરોની આ માફ ન કરાય એવી કરતૂતના કારણે આ વિસ્તારમાં રહેતા હજારો નાગરિકો અસહ્ય એવી દુર્ગંઘ મારતી પરિસ્થિતિની વચ્ચે જીવન જીવી રહ્યા છે.આ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાના કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.અતુલ પટેલે કમિશનર વિજય નહેરાને ગેરતપુર ખાતે વધારાનુ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવા પણ લેખિત રજૂઆત કરી છે.
કઈ-કઈ સોસાયટીઓને અસર પહોંચી..
રાધિકા પાર્ક,જય ગરવી ગુજરાત,સત્યનારાયણ રો-હાઉસ,ગોકુલ પાર્ક,નીલાંબર ડુપ્લેકસ,હરીદર્શન પાર્ક,ગુરૂકૃપા,નિલેષ પાર્ક,ક્રીષ્ણા પાર્ક,મંગળતીર્થ પાર્ક,જીવનધારા,કૈલાસવન.
અધિકારી શું કહે છે..
આ અંગે ઝોનના એડીશનલ સિટી ઈજનેરને પુછતા તેમણે કહ્યુ,આ વોર્ડની કેટલીક સોસાયટીઓમાં લાઈનો નાંખવામાં આવી નથી.પણ તંત્ર ખારીનદીમાં ગટરનુ ગંદુપાણી છોડતુ નથી.