અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદ,તા.0૧

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક કોર્પોરેટર દ્વારા તંત્રની બેદરકારી અંગે આક્ષેપ કરાયો છે.

આ અંગે મળતી માહીતી મુજબ,નાગરવેલ હનુમાન વિસ્તારમાં હેલ્થ વિભાગને મળેલી ફરીયાદ બાદ શુક્રવારે સવારના સુમારે ફોગીંગની કામગીરી કરાઈ હતી.આ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મકાનની બહાર ઉભેલા નિર્મલાબેન પાટીલ,ઉં.વર્ષ-૫૦ને ગંભીર ઈજા પહોંચતા બનાવ બાદ ફોગીંગ માટે ગયેલા કર્મચારીઓ ઘટના સ્થળ છોડી ભાગી ગયા હતા.બનાવ બાદ ઈજાગ્રસ્ત મહીલાને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.

સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યુ,કામગીરીના ખોટા આંકડા બતાવવા આડેધડ કામગીરી સોંપાઈ છે જેના પરીણામે આ ઘટના બની છે.બીજી તરફ તંત્રે એવો દાવો કર્યો છે કે,મશીનમાં બ્લાસ્ટ થયો નથી પણ તેની વરાળથી મહીલાને ઈજા પહોંચી છે અને આ મતલબનુ લખાણ પણ તેમણે ઈજાગ્રસ્ત મહીલા પાસેથી મેળવ્યુ છે.