અમરેલી,તા:૧૩ બે દિવસ પહેલાં માછીમારી માટે નીકળેલી નવાબંદરની ફિશિંગ બોટે દરિયામાં જળસમાધિ લીધી, જેમાં બોટમાં સવાર તમામ આઠ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા.
બે દિવસ પહેલાં નવાબંદરથી ટંડેલ રમેશભાઈ માડણભાઈ કૈલાસપ્રસાદ નામની બોટમાં અન્ય માછીમારોને સાથે લઈ દરિયામાં ગયા હતા, જ્યાં 18 નોટિકલ માઈલ દૂર અકસ્માત સર્જાતાં બોટે જળસમાધિ લીધી હતી. બોટે જળસમાધિ લેતાં તમામ ખલાસીઓએ દરિયામાં ઝંપલાવ્યું હતું. અકસ્માત પહેલાં નવાબંદરના સરપંચને રેડિયો પર અકસ્માતની જાણ કરાતાં ત્વરિત તમામ ખલાસીના બચાવ માટે પગલાં લેવાયાં હતાં. જેના ભાગરૂપે તે વિસ્તારમાં માછીમારી કરતી અન્ય બોટને સંદેશ મોકલાવાયો હતો, જેમાંથી એક બોટે તાત્કાલિક જઈ ટંડેલ રમેશભાઈ અને અન્ય માછીમારોને બચાવી લીધા હતા.
આ ચોમાસા દરમિયાન બોટ ડૂબવાની આ બીજી ઘટના નોંધાઈ છે. વરસાદ અને લૉ પ્રેશર સર્જાતાં દરિયામાં ભારે કરંટ સર્જાય છે. ભારે કરંટના કારણે ઊંચાં મોજાં ઊછળતાં માછીમારોની બોટ અકસ્માતનો ભોગ બને છે.