અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું

અમદાવાદ, તા. 30

અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સમયે જિતુ વાઘાણીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. અગાઉ બન્ને વચ્ચે જે કેમેસ્ટ્રી મળતી હતી તે આ વખતે જાહેરમાં કે ખાનગીમાં જોવા મળતી ન હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખને વિદાય

અમિત શાહ સાથે સંગઠનમાં ફેરફાર અંગે પ્રદેશના નેતાઓએ ચર્ચા કરી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીને હવે પ્રદેશ પ્રમુખપદે બેસવા નહીં દેવાય. તેઓ પ્રધાનમંડળમાં સ્થાન મેળવવા માટે દબાણ કરી રહ્યા છે. પણ તેમને પ્રધાન નહીં બનાવાય. નવા પ્રમુખની પસંદગી કરવા કેટલાંક નામોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓબીસી યુવા નેતાને પ્રમુખ બનાવવાનું નક્કી કરી દેવાયું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રણછોડ ફડદુ, વાસણ આહિરને પડતાં મૂકવામાં આવશે. તેમના વિભાગના કૌભાંડો અને સેક્સ સીડી કારણભૂત છે.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં નામો નક્કી કરાયા

રાજ્યની સાત વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક શરૂ થઈ છે. ભાજપમાં પણ આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ નામો નક્કી કરવા બેઠક શરૂ થઈ છે. પ્રદેશ ભાજપ નેતાગીરી માટે નામો નક્કી કરવા અંગે ઘણી મુશ્કેલી છે. અમિત શાહના ગયા પછી આ બેઠકો માટેના દાવેદારો અને તેમના ટેકેદારો સાથે પ્રદેશ નેતાગીરી સમક્ષ ટિકિટ મેળવવા માટે રજૂઆતો કરવા ભાજપના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા.

મોડી રાત્રે બેઠકોનો દોર ચાલ્યો 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28મી ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ આવ્યા તે પછી તેમના થલતેજના બંગલે પ્રદેશ નેતાઓ સાથે બેઠક થયા પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજાઈ હતી. પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરાઈ હતી અને આ બેઠકમાં આ બન્ને બાબતે આખરી નિર્ણય લેવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 28મી ઓગસ્ટે રાત્રે આવનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

અમિત શાહના નિવાસસ્થાને નેતાઓની લાઈન

વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટવાંચ્છુઓએ અમિત શાહના ભવ્ય બંગલાની બહાર લાઈનો લગાવી દીધી હતી.