ગાંધીનગર, તા.12
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ
કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજરાત સરકાર રાજ્યમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાનું કામ કરી રહી છે. એ સાથે મહારાષ્ટ્રમાં પણ જમીન સંપાદનના કામો ચાલી રહ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો ખેડૂતોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કપાઇ રહી છે. ખેડૂતોને રૂપિયા આપીને જમીન લેવામાં આવી રહી છે ત્યારે બન્ને રાજ્યોમાં ખેડૂતોએ સંપાદન પ્રક્રિયાનો વિરોધ કર્યો છે.
પ્રોજેકટમાં 55000 જેટલા મેનગ્રુવ્ઝના વૃક્ષોનું નિકંદન!
મહારાષ્ટ્રમાં ખેડૂતોની જમીન ઉપરાંત 55000 જેટલા મેન્ગ્રુવ્સના વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું હોવાથી વિરોધ થઇ રહ્યો છે ત્યારે હવે નવસારીના 24 ગામોના ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. આ ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તેથી જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ જમીનમાં વળતરની કોઇ ચોખવટ કર્યા વિના જમીન સંપાદન પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટમાં ખેડુતોને કેટલુ વળતર?
અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનું વડાપ્રધાન મોદીનું સપનું છે, કારણ કે આ બુલેટ ટ્રેન એ ભારતની પહેલી ટ્રેન છે. આ ટ્રેનને 2023ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોનો જમીન સંપાદનનો વિરોધ આ પ્રોજેક્ટને પાછળ ધકેલી રહ્યો છે. નવસારીના 24 ગામો પૈકી પાંચ ગામોમાં ખેડૂતોએ વિરોધ કરી જમીન સંપાદનની માપણી પણ કરવા દીધી નથી.નવસારીના આ ગામોમાં ખેડૂતો અને જમીન માલિકોની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. વળતરની કોઇ કિંમત નક્કી કર્યા વિના સંપાદન પ્રક્રિયાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં જમીન ઉપરાંત કેટલાક રહેઠાણના મકાનો પણ સંપાદનમાં આવતા હોવાથી ગામલોકોએ ઉગ્રતાથી પ્રદર્શન કર્યા છે અને કહ્યું છે કે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ.
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કેટલી જમીન સંપાદન કરાશે
ગુજરાત ——– 940 હેક્ટર
મહારાષ્ટ્ર ——– 431 હેક્ટર
દાદરા-નગર હવેલી ——– 009 હેક્ટર
કુલ જમીન ——– 1380 હેક્ટર
1.08 લાખ કરોડનો બુલેટ ટ્રેન પ્રોજેકટ
14મી સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રદાન શિંજો આબે એ અમદાવાદમાં જાપાનના સહયોગથી 1.08 લાખ કરોડના અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અમદાવાદ અને મુંબઇ વચ્ચે 508 કિલોમીટરના આ પ્રોજેક્ટ માટે ગુજરાત, દાદરા નગરહવેલી અને મહારાષ્ટ્રમાં મળીને કુલ 1380 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે.
મહારાષ્ટ્રમાં 20 ટકા, ગુજરાતમાં 60 ટકા જમીન સંપાદન
આ પ્રોજેક્ટ માટે રચાયેલી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને ડિસેમ્બર 2018 સુધીમાં તમામ જમીન સંપાદન કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ સરકારની અપેક્ષા મુજબ કામ થયુ નથી. મુદ્દત પુરી થયાને 8 મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી કુલ જમીનની 50 ટકા જમીન સંપાદન થઇ શકી છે. જેમાં મહારાષ્ટ્રમાં 20 ટકા અને ગુજરાતમાં 60 ટકા જમીન સંપાદન થઇ શકી છે.