અલ્પેશ કથીરિયાનો જામીન લાયક ગુનો છતાં કેમ જામીન નહીં, કોર્ટે સુરત પોલીસની ઝાટકણી કાઢી

અલ્પેશને કથીરિયા જે સમયે વરાછા પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટે વરાછા પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, જામીન લાયક ગુનો હોવા છતા પણ અલ્પેશ કથીરિયાને શા માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે, જેના કારણે વરાછા પોલીસ અલ્પેશ કથીરિયાને કોર્ટથી લઇને રવાના થઈ ગઈ હતીં પરંતુ પોલીસ અલ્પેશને કઈ જગ્યા પર લઇ ગઈ છે તે જાણવા મળ્યું નથી.અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કર્યા પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને કોર્ટે અલ્પેશ કથીરિયાને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સરથાણા અને ત્યારબાદ વરાછા પોલીસ દ્વારા અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટમાંથી જે સમયે અલ્પેશને વરાછા પોલીસ લઇ જઈ રહી તે સમયે અલ્પેશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગેરકાયદેસર કાર્યવાહી થઇ રહી છે. પોલીસ મને ક્યાં લઇ જાય છે એ પોલીસને જ ખબર છે મને ખબર નથી. આ ઉપરાંત અલ્પેશે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કે, હાર્દિક નથી પણ સમગ્ર સમાજ આંદોલનના નેતા છે અને હવે હું આગળની લડત મારા ઘરેથી લડીશ.

અલ્પેશ કથીરિયાએ પોલીસની કામગીરી વિશે કહ્યું હતું કે, આજે પોલીસના પ્રોડક્શન રિપોર્ટ સામે કોર્ટે ઘણા સવાલો ઉઠાવ્યા છે અને પોલીસનો પ્રોડક્શન રિપોર્ટ કોર્ટે રદ કર્યો છે. કારણ કે, પોલીસે મારા પર જે ગુનાઓ દાખલ કર્યા હતા તેમાં પોલીસ મારી ધરપકડ નથી કરી શકતી. જેના કારણે મને શા માટે પોલીસ અપહરણ કરીને લાવી છે, તે અંગે કોર્ટે પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઉઠાવ્યા છે.