અમદાવાદ, તા. 20
મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનમાં આવેલું વિઘ્ન ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે થયેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ ચુકાદા મામલે રેલવે મંત્રાલય તરફથી પણ હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતો અને બિન ખેડૂતોને વળતર આપવામાં કોઈ પ્રકારનો અસંતોષ નહિ થવા દઈએ. આ ઉપરાંત ગઈકાલે જે ચુકાદો આવ્યો છે તેને ગુજરાતના અસરગ્રસ્તો દ્વારા સુપ્રીમમાં પડકારવાની તૈયારી કરવામાં આવી છે તેને માટે પણ રેલવે મંત્રાલય દ્વારા કાયદાકીય અભ્યાસ કરીને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
યોગ્ય વળતર આપવાની ખાતરી આપી
આ સંદર્ભે રેલવે મંત્રાલય તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમ જ સરકારી વકીલ આર. એન. સિંહ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ અંગે આજે આર. એન. સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, જમીન સંપાદન મામલે વર્ષ 2013માં કેન્દ્ર દ્વારા અમલી બનાવાયેલા કાયદામાં રેલવે મંત્રાલય દ્વારા સુધારો કરીને રાષ્ટ્રપતિની મંજૂરી સાથે 8 ઓક્ટોબર 2018માં સુધારા કાયદો ગુજરાત સરકારે અમલી કર્યો હતો. જે અનુસાર ખેડૂતો અને બિન ખેડૂતોને બજાર ભાવ કરતાં ચાર ગણી કિંમતે નહિ પરંતુ જંત્રી પ્રમાણેના ભાવમાં ચાર ગણી રકમ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે સંદર્ભે હાઈકોર્ટમાં રેલવે મંત્રાલય તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ખાતરી આપી છે કે, જે લોકોની જમીન સંપાદિત થવાની છે તેમને વળતરમાં કોઈપણ પ્રકારનો અસંતોષ નહિ થવા દઈએ. અને આ મામલે રેલવે મંત્રાલયે બનાવેલી કમિટીમાં જો તેઓ રજૂઆત કરશે તો ચોક્કસપણે તે દિશામાં વિચારણા કરીને તેમની નારાજગી દૂર થાય એવું પગલું ભરીને વળતર ચૂકવવામાં આવશે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું કે, જે લોકોની જમીન સંપાદિત થવાની છે તેમાં ઘણી જમીન એવી છે જેમાં બુલેટ ટ્રેનના કારણે બે ભાગ પડતાં હોય તો એવા કિસ્સામાં રેલવે મંત્રાલય અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરએલ) દ્વારા યોગ્ય નિર્ણય કરીને કોઈક વચલો માર્ગ કાઢવામાં આવશે.
બિન ખેડૂતોનું પૂનર્વસન કરાશે
સિંહે જણાવ્યું કે, જે બિન ખેડૂતોનાં મકાન સંપાદિત થવાના છે તેવા અસરગ્રસ્તોને નવા મકાન આપવાનું પણ સરકારે નક્કી કર્યું છે. એટલે કે આ અસરગ્રસ્તોનું પૂનર્વસન કરવામાં આવશે. અને તેમને તેમના મકાન પ્રમાણેનું જ મકાન આપવામાં આવશે. આ અસરગ્રસ્તોને પણ કોઈ પ્રકારનો અસંતોષ નહિ રહે એવું હાઈકોર્ટમાં જણાવાયું છે.
ખેડૂતોએ શું માગણી કરી હતી
ખેડૂતોની જમીન સંપાદન અંગે માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ તેમ જ વળતરની રકમ ગુજરાત સરકારના જમીન સંપાદનના કાયદા પ્રમાણે નહિ પણ કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાયદા મુજબ ચુકવવામાં આવે.
મહારાષ્ટ્રમાં નવો કાયદો નથી
રાષ્ટ્રપતિ દ્વારા જે જમીન સંપાદન કાયદામાં સુધારો મંજૂર કરવામાં આવ્યો છે તે માત્ર ગુજરાત સરકાર માટે જ છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે લોકોની જમીન સંપાદિત કરવાની છે તેમને તેમની માગણી પ્રમાણે વળતર આપવાની કામગીરી ચાલી રહી છે. અને તેની પાછળ એવું કહેવાય છે કે, મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ વગર વિઘ્નએ પાર પડે તે માટે ખેડૂતો અને બિન ખેડૂતોને વળતર આપવાનું ઠરાવ્યું છે. અને તેના ભાગરૂપે અસરગ્રસ્તોને સરકાર દ્વારા વળતર પેટે એક ચોક્કસ રકમ આપવામાં આવે છે અને જો તેમાં અસરગ્રસ્તને કોઈ વાંધો હોય તો સરકાર દ્વારા તેમને અલગથી વધુ રકમ વળતર પેટે ચૂકવવામાં આવી રહી છે. જેથી મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટમાં કોઈ વિરોધ થયો નથી.