અસારવા સિવિલમાંથી ઘરઘાટી દ્વારા ચોરીકેસના બે આરોપી ફરાર

અમદાવાદ, તા.૯
અમદાવાદ પોલીસની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. ચાંદખેડા પોલીસે ચોરીકેસમાં પકડેલા સાત ઘરઘાટી પૈકી એક મહિલા સહિત ચાર આરોપીને શારીરિક તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બે આરોપી પોલીસને ધક્કો મારીને હાથકડી સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના મોબાઈલ વાન ઇન્ચાર્જ દ્વારા શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ચાંદખેડા પોલીસે ગત તા.3 ઓક્ટોબરે ઘરઘાટી દ્વારા મકાન અને બંગલોમાંથી ચોરી કરવાની ઘટનામાં બે મહિલા સહિત સાત જણાની ધરપકડ કરી હતી. આ સાત આરોપીઓ પૈકી શાંતુબેન કિર, જિતુ કિર, રાજુ કિર અને લોકેશ કિર તા.9 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર હતા, આથી તેમની શારીરિક તપાસ માટે મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે ચાંદખેડા પોલીસની મોબાઈલ વાનમાં જાપ્તા પોલીસ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

હોસ્પિટલમાં અન્ય દર્દીઓની તપાસ ચાલતી હોવાથી ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને બે કલાક પછી શારીરિક તપાસ કરાવવા માટે કહ્યું હતું, જેથી પોલીસકર્મીઓ તેમને લઈને મોબાઈલ વાન તરફ પરત આવતા હતા ત્યારે જિતુ કિર અને લોકેશ કિરને હાથકડી પહેરાવી હોવા છતાં આ બંને આરોપી હેડ કોન્સ્ટેબલ શારતુભાઈ અને કોન્સ્ટેબલ અમૃતજીને ધક્કો મારીને નાસી ગયા હતા.
આ ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ શારતુભાઈએ શાહીબાગ પોલીસમાં આ બંને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.