અહેમદ પટેલ સોનિયા ગાંધીનો પડછાયો બનતાં ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે

અમદાવાદ, તા.07

વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદને ઠારવા કોંગ્રેસનું મોવડીમંડળે  ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક ગુજરાત મોકલીને સ્થિતિને સાંભળવાનો આદેશ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જયરાજસિંહ પરમારને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે બેઠક થઈ હતી. અમિત ચાવડા પક્ષના નેતાઓ અને કાર્યકરોને સાથે રાખવામાં નિષ્ફળ રહ્યા છે તેવો પણ એક સૂર ઉઠવા પામ્યો છે.

ગુજરાત કોંગ્રેસનું સુકાન જ્યારથી અમીત ચાવડાના નામના યુવા નેતાના હાથમાં સોંપવામાં આવ્યું છે ત્યારથી અનેક જૂથમાં વહેંચાયેલા કોંગ્રેસના સિનિયર નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. હવે અહેમદ પટેલ ફરી એક વખત સોનિયા ગાંધીની છાયામાં આવ્યા છે ત્યારથી ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે. અમદાવાદ શહેરમાં ગ્યાસુદ્દીન શેખ પણ નારાજ છે.

ઉમેદવારોની પસંદગીમાં સિનિયર નેતાઓમાં નારાજગી

ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીના મામલે કોંગ્રેસના સિનિયર નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. આ પેટા ચૂંટણીમાં ખેરાલુ બેઠક માટે દાવેદાર એવા કોંગ્રેસના સિનિયર અગ્રણી અને પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારની અવગણના કરવામાં આવી હતી. જેના લીધે પક્ષની નીતિથી નારાજ થયેલા જયરાજસિંહે પોતાનો બળાપો જાહેરમાં વ્યક્ત કર્યો હતો અને પક્ષની કામગીરીથી નિષ્ક્રિય થવાનું જણાવ્યુ હતું. અમપાના પ્રવકતા બદરૂદ્દીન શેખે અને જયરાજસિંહ બાદ એક પછી એક નેતાઓ પોતાનો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. રાધનપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા, અમરાઈવાડી, મોરવા હડફ સહિત ૬ બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં અનેક સ્થાનિક આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસમાં ફરી એક વખત પેટા ચૂંટણીઓ સમયે રાજીનામાં આપવાની હોડ શરૂ થતાં મોવડી મંડળ ચોંકી ઉઠયું છે.

અહેમદ પટેલ-અમિત ચાવડા સાથે કોઈ કાર્યકર નથી

રાધનપુર સહિતની બે બેઠકોમાં કોંગ્રેસ દ્વારા બારોબાર મેન્ડેટ આપવા પડયા હતા. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસમાં મોટું ગાબડું પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા જયરાજસિંહે નારાજગી વ્યક્ત કરતાની સાથે જ તેમના ટેકામાં અનેક કાર્યકરો અને આગેવાનો ખુલીને બહાર આવ્યા છે. તેમને રાજ્યભરમાંથી ભારે સમર્થન મળ્યું છે. કોંગ્રેસના દરેક કાર્યકર તેમની સાથે ઊભા કર્યા છે. અહેમદ પટેલ કે અમિત ચાવડાની સાથે કોઈ કાર્યકર નથી પણ જયરાજસિંહ સાથે આખું ગુજરાત ઊભું છે. પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ઉપરાંત પ્રદેશ નેતાગીરીની કાર્ય પધ્ધતિ સામે રોષ છે.

કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે, આ યુવા નેતા છે પરંતુ તેમની પાસે પક્ષના તમામ સિનિયર નેતાઓને સાથે લઈને કેવી રીતે ચાલવું તેનો કોઈ જ અનુભવ નથી. જેના કારણે પક્ષ પ્રમુખે આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાવડાના પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસે અનેક મોટા નેતા ગુમાવ્યા

અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસે તેમના વતનના જિલ્લાની પંચાયત સહિત ત્રણ જિલ્લા પંચાયત ગુમાવી છે. 11થી વધુ તાલુકા પંચાયતો ગુમાવી છે. અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ તેઓ કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા સિનિયર નેતાઓને ભાજપે ખરીદી કરી છતાં તેમને સાથે રાખી શક્યા નથી. ચાવડાના પ્રમુખપદના આ સમય ગાળામાં છ જેટલા ધારાસભ્યો પક્ષ છોડીને જતાં રહ્યા છે. તેમને મનાવવામાં પ્રદેશ પ્રમુખ નિષ્ફળ રહ્યા છે.