રાજકોટ, તા.06 :. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતના આંગણવાડી વર્કર-હેલ્પર તથા આઈ.સી.ડી.એસ. યોજના સંબંધી બાબતે ગુજરાત સરકાર તાકિદે નિર્ણય કરવા રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે ગુજરાતમાં તમામ બાલમંદિરોને આઈ.સી.ડી.એસ. યોજનામાં સમાવેશ કરવામાં આવે તેને આંગણવાડી કેન્દ્રમાં લાવવામાં આવે. વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા રૂ. ૧૫૦૦ વધારો ચુકવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. ભલામણ મુજબ આંગણવાડી વર્કરોને કાયમી કરી રૂ. ૧૮૦૦૦ લઘુતમ વેતન આપવામાં આવે તેવી માગણી પણ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. નિવૃતિ સમયે ઓછામાં ઓછું રૂ. ૪૦૦૦ પેન્શન તથા ગ્રેચ્યુઈટી એકટનો લાભ આપવાની પણ જોગવાઇ કરવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં ઉમેર્યુ હતુ કે, વર્કરમાંથી સુપરવાઈઝર અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપવા વયમર્યાદા દૂર કરવામાની પણ એક મહત્વપૂર્ણ માગણી કરવામાં આવી હતી. બાળકોને, સગર્ભા માતાને અપાતા આહારની મજાકરૂપ માત્રા તથા દરમાં વધારો કરીને ખરા અર્થમાં પોષણક્ષમ સમાજ બનાવવા સરકારઅસરકારકપગલાં ભરે તેવી આંગણીવાડીની બહેનોએ પોતાની માગણી દોહરાવી હતી. આંગણવાડી કેન્દ્રો ઉપર શુદ્ધ પાણીનાં બંધ પડેલા આર.ઓ. મશીન નવા મુકવામાં આવે તેમજ શૌચાલયો રીપેર કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.