આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય

ગાંધીનગર, તા.09

ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે.

શાહની મંજુરી જરુરી

સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છે તેના નામો દિલ્હી મોકલવામાં આવી રહ્યાં છે તેથી આ બદલીઓમાં વિલંબ થયો છે. રાજ્ય સરકારે આઇએએસ ઓફિસરોની બદલી કરી છે પરંતુ હજી પણ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સિનિયર આઇએએસ ઓફિસરોની બદલીઓના બીજો રાઉન્ડ બાકી છે. આ બદલીઓ સાથે 15 થી વધુ ઓફિસરોને પ્રમોશન આપવાના થાય છે.

શાહના વિશ્વાસુ આઈપીએસને પ્રાઈમ પોસ્ટીંગ મળવાની શકયતા

પોલીસની બદલીઓમાં મુખ્યત્વે રાજ્યના મહાનગરોમાં પોલીસ કમિશનરોની બદલીઓમાં શું કરવું તેની ચર્ચા ચાલી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં અમિત શાહના વિશ્વાસુ ઓફિસરોને મૂકવામાં આવી શકે છે. એ ઉપરાંત પોલીસ ભવનના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ અમિત શાહને પૂછીને બદલી કરવાની થાય છે તેથી આ બદલીઓમાં વિલંબ થઇ રહ્યો છે.

સચિવાલયમાં ચર્ચાય છે કે ગુજરાતના પોલીસ અધિકારીઓની બદલીમાં અમિત શાહ અંગત રસ લઇ રહ્યાં છે. આમ પણ તેઓ આખા ગુજરાતના વહીવટી તંત્રનું ધ્યાન રાખે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો હવાલો અમિત શાહને સોંપી દીધો છે. રાજ્યમાં 79 આઇએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં ચર્ચાઇ રહેલી માહિતી પ્રમાણે અમિત શાહે અંગત રસ લીધો છે. આ બદલીમાં કેટલાક ઓફિસરો સરકારની નવી નિયુક્તિમાં નારાજ છે તેનું કારણ અમિત શાહ છે. કહેવાય છે કે ગુજરાતના ચાર થી પાંચ આઇપીએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર જવાના છે અને બે ઓફિસરો ગુજરાતમાં પાછા આવી રહ્યાં છે. ગુજરાતના આઇપીએસ અધિકારીઓ કે જેમનું એમ્પેલનલમેન્ટ થવાનું છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ છે. દિલ્હીથી ગુજરાતમાં પાછા આવી રહેલા અધિકારીઓને ગુજરાતમાં પ્રાઇમ પોસ્ટીંગ પણ આપવામાં આવશે તેવી ચર્ચા છે.