અમદાવાદ, તા.૨૦
શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર આવેલી કૈલાશ પાર્ક સોસાયટી વિસ્તારમાં માથાભારે શખ્સ અને બૂટલેગર એવા અજિત હમીરસિંહ વાઘેલા અને અક્ષય ઉર્ફે ભૂરીયો રમેશભાઈ પટેલ દારૂના ગુનામાં વોન્ટેડ હોય તેને પકડવા માટે ગયા હતા. ત્યારે અક્ષય ઉર્ફે ભૂરીયો અને અજિત વાઘેલાએ છરી વડે પીએસઆઈ અર્જુન ભરવાડ અને કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાના દોઢ કલાક અગાઉ જ આ બન્ને આરોપીઓએ ગાયક કલાકાર ભૂમિ પંચાલને છરી બતાવીને તેની જ કારમાં તેનું અપહરણ કરીને તેની પાસેથી રૂપિયા એક લાખની ખંડણી માંગીને તેના પર્સમાં રહેલા રૂ. ૧૦ હજાર કાઢી લીધા હતા અને ત્યાર બાદ બીજા નાણાં આપી જવા માટે ધાક ધમકી આપીને છોડી મૂકી હતી. આ ઘટનામાં આ બન્ને આરોપીએ ફરાર હતા.
રામોલ વિસ્તારમાં એક દિવસમાં પોલીસ અધિકારી ઉપર જીવલેણ હુમલો કરવાની અને ગાયક કલાકારનું અપહરણ કરીને તેમની પાસે ખંડણી માંગવાની ઘટના બની હતી. જેના કારણે રામોલ પોલીસ દ્વારા બન્ને ઘટનાઓ અંગે ફરિયાદ નોંધીને આ વિસ્તારમાં માથાભારે ગણાતા બન્ને બૂટલેગરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં રામોલ પોલીસે બાતમી મળી હતી કે, આ બન્ને પાસે પૈસા ખૂટી ગયા હોવાથી નાણાં લેવા માટે તેના મળતિયા પાસે આવવાના છે.
જે અંગે રામોલ પોલીસે ત્રણ ટીમો બનાવીને સુરેલિયા રોડ અને રામરાજ્ય નગર ચાર રસ્તા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં સોનીની ચાલી તરફથી રિક્ષામાં આવીને રામરાજ્ય નગર ચાર રસ્તા તરફ ચાલીને આ બન્ને આવી રહ્યા હતા. જેને રામોલ પોલીસ પકડવા જતાં તેમણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેમને પોલીસે ઝડપી લીધા હતા. રામોલ પોલીસે દારૂના કેસના વોન્ટેડ બૂટલેગરોને પોલીસ પર જીવલેણ હુમલા અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.